ઓટો મોબાઈલ સેકટર, કાર લોન સહિતની લોનમાં સ્કીમ લાગુ કરવા જાગૃતતા કેળવાશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન રજનીશકુમારે જણાવતાં કહ્યું હતું કે, ગત વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ૫૯ મિનિટની લોન સ્કીમ લાગુ કરવામાં આવી હતી જેનો લાભ નાના વેપારીઓએ સહેજ પણ લીધો ન હતો જેથી જે વેગથી લોન સ્કિમ લાગુ થવી જોઈએ તે થઈ નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૫૯ મિનિટની લોન સ્કિમ હવે ઓટો મોબાઈલ ક્ષેત્ર, કાર લોન સહિત અન્ય લોન માટે આ સ્કિમનો લાભ લેવામાં આવશે.
બેંકનાં ચેરમેન રજનીશકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત નવેમ્બર માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ૫૯ મિનિટની લોન સ્કીમ લાગુ કરવામાં આવી હતી જેમાં કોઈપણ ઉધોગકાર કે જેનું વાર્ષિક ટર્નઓવર ૨૫ કરોડ સુધીનું હોય તેને ગણતરીની ૫૯ મિનિટમાં જ ૫ કરોડ સુધીની લોન મળવાપાત્ર રહે છે. આ યોજના ખુબ જ સારી રીતે અમલી બની હોત પરંતુ યોગ્ય જાગૃતતા કેળવવામાં ન આવતા હાલ લોન સ્કિમ અમલી બની શકી નથી ત્યારે એમએસએમઈ ક્ષેત્ર દેશનું કરોડરજુ સમાન છે કે જે સૌથી વધુ રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવતું હોય છે. દેશનાં અર્થતંત્ર માટે એમએસએમઈ ક્ષેત્ર ખુબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આ યોજનાનો લાભ મહતમ રીતે અપાવી શકાય તે હેતુસર જાગૃતતા કેળવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે ૫૯ મિનિટની લોન સ્કિમ લાગુ કરવાનું જે સ્વપ્ન છે તે સૌથી વધુ એમએસએમઈ ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.વધુમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન રજનીશકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, નીચલા હરોળમાં જે બેંકનાં કર્મચારીઓ છે તેને ડર રહેતો હોય છે કે, ૫૯ મિનિટમાં લોન આપતાની સાથે જ જો લોનધારક તેની લોનની ભરપાઈ ન કરે તો અધિકારીઓ જવાબદાર ઠેરાવવામાં આવતા હોય છે. આ તકે બેંકનાં ચેરમેને જણાવ્યું હતું કે, તેઓએ તેમનાં નિચલા હરોળનાં કર્મચારીઓને તાકીદ કરી છે કે, આ પ્રકારની જવાબદારી કોઈનાં ઉપર નહીં મુકવામાં આવે. પબ્લીક સેકટર બેંકમાં જયારથી ૫૯ મિનિટ લોન સ્કીમ લાગુ કરવામાં આવી ત્યારે કુલ ૫૦,૭૦૬ અરજીઓ લોન માટે આવી હતી જેમાંથી માત્ર ૨૭,૮૯૩ લોન અરજીઓને જ યોગ્ય ઠેરવવામાં આવી હતી ત્યારે તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા જે લોન સ્કિમ લાગુ કરવામાં આવી છે તેને જો યોગ્ય રીતે અમલી બનાવાય તો દેશને ઘણો ખરો ફાયદો થઈ શકે તેમ છે.