સમગ્ર રાજ્યમાંથી 45437 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી પરીક્ષામાં 41533 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા અને 24740 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 59.57 ટકા પરિણામ જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહની સાથે સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું 100 ટકા પરિણામ આવ્યું છે. પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 5.36 ટકા જેટલું ઊંચુ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની 13 જુલાઈએ પૂરક પરીક્ષા લેવાઈ હતી. આ પૂરક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 45437 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી પરીક્ષામાં 41533 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ પૈકી શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં 24740 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા છે.
આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 59.57 ટકા જેટલું પરિણામ આવ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ડિફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપીને પાસ કરવામાં આવતા હોય છે. જેમાં 20 ટકા પાસિંગનો લાભ લઈને 110 જેટલા વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા વખતે ITIના અંગ્રેજી વિષય માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 13562 જેટલી હતી. જેમાંથી પરીક્ષા વખતે 13241 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં જનરલમાં 45125 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી 41248 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા અને 24597 વિદ્યાર્થી પાસ થયા છે. આમ, સામાન્ય પ્રવાહનું 59.63 ટકા પરિણામ આવ્યું છે.