બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ઓટો અને ટેલીકોમ સેકટરમાં વેચવાલીનું જોર વધ્યું
છેલ્લા અઠવાડિયા સુધી તેજીનું તોફાન શેરબજારમાં ફરી વળ્યા બાદ આજે સેન્સેકસમાં એકાએક ૫૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ખુલતી બજારે લેવાલીનો માહોલ જણાતા થોડા સમય સુધી બજાર ગ્રીન ઝોનમાં હતું. ૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો ત્યારબાદ વેચવાલીનો માહોલ અને પ્રોફીટ બુકિંગના કારણે બજાર ધીમી ગતિએ ધરાશાયી થયું હતું. ટ્રેડીંગ દિવસના અંત સુધીમાં બજાર ૫૨૦ પોઈન્ટ સુધી લપસી ગયું હતું.
સેન્સેકસ ૫૨૦ પોઈન્ટ ગુમાવી ૩૪૯૧૪ની સપાટીએ ટ્રેડ થયો હતો. આ સાથે જ નિફટી-ફીફટીમાં પણ વેંચવાલીનું વાવાઝોડુ ફરી વળતા ૧૬૦ પોઈન્ટ તૂટી હતી. નિફટી-ફીફટી ૧૦૩૧૦ની સપાટી સુધી ટ્રેડ થઈ હતી. નિફટી-ફીફટીના એશિયન પેઈન્ટ ૩.૯૬ ટકા, હિરો મોટોકોપ ૩.૩૫ ટકા, આઈટીસી ૩.૨૦ ટકા, આયસર મોટર ૨.૯૦ ટકા જેટલા ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. જો કે, ઈન્ડુસીન્ડ બેંક ૭ ટકા, આઈસીઆઈસી બેંક ૬.૪૫ ટકા, બજાજ ફાયનાન્સ ૪.૧૧ ટકા અને એસબીઆઈ ૪.૧૦ ટકા સુધી તૂટી ગયા હતા. આજે બેન્કિંગ-ફાયનાન્સ સેકટરમાં મોટો કડાકો બોલી ગયો હતો. આખુ સેકટર ૩ ટકા સુધી તૂટી ગયું હતું. ઉપરાંત ટેકનોલોજી, ઓટોમોટીવ, ટેલીકોમ અને મેટલ્સ-માઈનીંગ સેકટરમાં પણ ભરપૂર વેંચવાલી જોવા મળી હતી.