પાંચ દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોમાં હાશકારો: અનેક ગામો હજી પાણીમાં: રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૨૮.૯૩ ટકા અને સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૬.૦૩ ટકા વરસાદ: રાજયમાં મોસમનો કુલ ૪૫.૨૪ ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસ સુધી અનરાધાર વરસ્યા બાદ આજે સવારથી સર્વત્ર મેઘરાજાએ ખમૈયા કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. સોરઠ અને હાલાર પંથકના અનેક ગામડાઓ હજુ પાણીમાં ગરકાવ છે જોકે મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે અને જનજીવન ફરી થાળે પડી રહ્યું છે. જુલાઈ માસ અડધો માંડ પુરો થયો છે ત્યાં સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૫૭ ટકાથી વધુ વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. રાજયમાં આજસુધી મોસમનો કુલ ૪૫.૨૪ ટકા વરસાદ વરસી ગયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૧ જિલ્લાના ૧૪૫ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જુલાઈ માસમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ ૩૦૮.૩૨ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારથી સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
પાંચ દિવસ બાદ ઉધાડ નિકળતા અને આકાશમાં સુર્યનારાયણના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને જામનગર જિલ્લાના અનેક ગામો હજી પાણીમાં ગરકાવ છે જયાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રાજયમાં ૩૨ નાગરીકોના મોત નિપજયા છે.
જયારે ૧૬૫ પશુઓ મોતના મુખમાં ધકેલાયા છે. હાલ એનડીઆરએફની ટીમ દ્વારા રાજયના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ સામાન્ય ઝાપટા પડયા હતા. એકંદરે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ૫૭.૦૬ ટકા વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. વર્ષ ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીની એવરેજ પર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝન દરમિયાન સરેરાશ ૬૭૯ મીમી વરસાદ પડે છે. આજ સવાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૩૮૮ મીમી વરસાદ વરસી ગયો છે જે સીઝનનો ૫૭.૦૬ ટકા જેવો થાય છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં ૧૨૮.૯૩ ટકા જયારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૧૬.૦૩ ટકા પડયો હોવાનું નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં સરેરાશ ૩૭.૦૧ ટકા, મોરબી જિલ્લામાં સરેરાશ ૨૫.૨૮ ટકા, જામનગર જિલ્લામાં સરેરાશ ૪૦.૯૨ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ ૩૭.૦૧ ટકા, પોરબંદર જિલ્લામાં સરેરાશ ૪૭.૪૫ ટકા, જુનાગઢ જિલ્લામાં સરેરાશ ૭૮.૯૩ ટકા, અમરેલી જિલ્લામાં સરેરાશ ૬૫.૬૮ ટકા, ભાવનગર જિલ્લામાં સરેરાશ ૫૪.૦૪ ટકા અને બોટાદ જિલ્લામાં સરેરાશ ૪૫.૬૦ ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના માળીયાહાટીના, મેંદરડા, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, વેરાવળ, સાવરકુંડલા, મહુવામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કોડીનાર તાલુકામાં સીઝનનો ૧૬૦.૨૬ ટકા પડયો છે.
આ ઉપરાંત રાજયમાં કચ્છ રીઝયનમાં અત્યાર સુધીમાં સીઝનનો માત્ર ૧૧.૦૩ ટકા વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં ૧૮.૩૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૯.૮૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૪૫.૨૪ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજયમાં એક પણ તાલુકો એવો નથી કે જયાં મેઘરાજાનું આગમન થયું ન હોય. ૧૮ તાલુકાઓમાં ૫૦ મીમી સુધી, ૪૭ તાલુકાઓમાં ૫૧ થી ૧૨૫ મીમી સુધી, ૬૩ તાલુકાઓમાં ૧૨૬ થી ૨૫૦ મીમી સુધી, ૭૧ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી, ૩૧ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી જયારે ૨૧ તાલુકાઓમાં ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
આજથી વરસાદનું જોર ઘટશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
છેલ્લા એક પખવાડિયાથી રાજયમાં મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે લોકો મેઘરાજાને ખમૈયા કરવા માટે વિનવી રહ્યા છે. આજથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વરસાદનું જોર ઘટશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત પર હજી અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે જે દરીયા સપાટીથી ૩.૧ કિમી થી ૭.૧ કિમીની ઉંચાઈ પર છે જેની અસરતળે આજે અરવલ્લી, મહિસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય તાલુકાઓમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહેશે. આજે સવારથી સર્વત્ર વરાપ જોવા મળી રહ્યો છે. આગામી ૨૩મી જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા રાજયમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્રમાં આજથી જ વરસાદનું જોર ઘટી જશે.
કોડીનારમાં ૬૨ ઈંચ વરસાદ
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજયના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓ પૈકી સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ૬૨ ઈંચથી વધુ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીર-સોમનાથ જિલ્લો ચાલુ સાલ વરસાદમાં અવ્વલ નંબર પર છે.
જિલ્લાના એકમાત્ર તાલાલા તાલુકાને બાદ કરતા મોટાભાગના તાલુકાઓમાં સરેરાશથી દોઢો વરસાદ વરસી ગયો છે. કોડીનારમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૯૭૩ મીમી એટલે કે ૩૯ ઈંચ જેટલો વરસાદ પડયો હોય છે પરંતુ આ વખતે જાણે કોડીનાર સૌરાષ્ટ્રનું ચેરાપુંજી બની ગયું હોય તેમ ૧૮ જુલાઈ સુધીમાં કોડીનારમાં કુલ ૧૫૬૦ એટલે કે ૬૨ ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. જે સીઝનનો ૧૬૦ ટકાથી વધુ વરસાદ છે.
ગીર-સોમનાથ જિલ્લો વરસાદમાં હાલ રાજયભરમાં અવ્વલ નંબરે છે. જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મોસમનો ૧૪૭.૮૪ ટકા, કોડીનારમાં ૧૬૦.૨૬ ટકા, સુત્રાપાડામાં ૧૭૩.૭૧ ટકા, તાલાલામાં ૮૯.૫૪ ટકા, ઉનામાં ૧૪૫.૩૫ ટકા અને વેરાવળમાં ૧૦૧.૧૯ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.