અનેક ડેમોના પાટીયા ખોલાયા: નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા: છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૯ તાલુકામાં મેઘમહેર: આજે અને કાલે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસેલા અવિરત વરસાદથી ડેમોમાં નવા નીરની આવક થઈ છે જેને લઇ હાલ સૌરાષ્ટ્રના ૫૭ ડેમો હાઈએલર્ટ પર છે અને અનેક ડેમોના પાટિયા ખોલવામાં આવ્યા છે તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસેલા અનરાધાર વરસાદથી અનેક ડેમોમાં નવાનીર ઠાલવાતા ડેમોની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, સતત મેઘમહેરથી સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રના ૩૦ થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર-૧, ન્યારી, આજી અને શેત્રુજી સહિતના ડેમોમાં નવાનીર આવ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગનો તાત ખૂશખુશાલ જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની વાત કરીએ તો, કુલ નાની-મોટી સિંચાઈ યોજના હેઠળ ૨૫ ડેમોનો સમાવેશ થાય છે. આ પૈકી આજી-૧, ન્યારી-૧, આજી-૨, ન્યારી-૨ સહિત ૫૭ ડેમો ૧૦૦ટકા ભરાઈ ગયા છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી પગલે તમામ ડેમો છલોછલ થવાની પુરી શકયતા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ ડેમોની વાત કરવામાં આવે તો, ભાદર, વેણુ-૨, આજી-૨, આજી-૩, ન્યારી-૧, ન્યારી-૨, ભાદર-૨, ઘોડાધ્રોઇ, ડેમી-૩, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, ફલઝર, વર્તુ-૨ સહિતના ૧૪ ડેમો હાઈએલર્ટ પર છે.

બંગાળની ખાડીમાં બે સિસ્ટમ એકી સાથે સક્રીય થતા આજે અને કાલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૯ તાલુકામાં મેઘમહેર થઇ હતી. આ ઉપરાંત આજે સવારે મહેસાણા પંથકમાં ૨ કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

સૌરાષ્ટ્રમાં પણ આજે વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. લો પ્રેશર સક્રિય થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સર્વત્ર મેઘમહેરના કારણે રાજ્યભરના ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક પણ થવા પામી છે. જેને લઇને નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ નદીકાંઠે ન જવા લોકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યભરમાં એનડીઆરએફની ટીમ ખડેપગે છે.

આજી ગાંડીતુર બનતાં ૨ હજાર લોકનું સ્થળાંતર કરાયું

20200822 093454

રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યાં હતા. જેને લઈ ૨ હજાર લોકનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ફાયરવિભાગની ૬ જેટલી ટિમ લાઉડસ્પીકર વડે આજી નદી, ભગવતીપરા, રામનાથપરા અને થોરાળા વિસ્તારમાં જઇ સતત સૂચન આપી રહી છે. રામનાથપરા વિસ્તારમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવતા અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી લોકોને બચાવવા સ્થળ પર પહોંચી ગયો હતો અને આજુબાજુના તમામ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો. રામનાથપરા વિસ્તારમાં મસમોટો ભૂવો પડતા લોકો ગભરાય ગયા હતા. જોકે તંત્રની સમયસૂચકતાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના ધોરી માર્ગો પર પાણી ફરી વળ્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજ મન મૂકી વરસી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના ધોરી માર્ગો ભારે વરસાદને કારણે પાણીથી તરબતોર થઈ ગયા છે. અનરાધાર વરસાદને પગલે સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. મોટાભાગના હાઇવે પાણીથી ધોવાઈ ગયા છે. ઘણા ખરા ધોરીમાર્ગો પર પાણી ફરી વળતાં વાહન વ્યવ્હાર પણ બંધ કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.