બી.એ, બી.કોમ, એમ.બી.એ. સહિતના જુદા-જુદા કોર્ષની ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ ચોરીના દૂષણની ભીતિ યથાવત: કાયમી નિરાકરણનો અભાવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ બે તબકકાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી તા.૮ને શનિવારથી ત્રીજા તબકકાની પરીક્ષાઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવશે. બી.એ., બી.કોમ સહિત જુદા-જુદા કોર્ષના ૫૫૬૨૫ વિદ્યાર્થીઓ ત્રીજા તબકકાની પરીક્ષા આપનાર હોવાનું પરીક્ષા નિયામક અમિત પારેખે જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને કોપી કેસ કે ચોરીના દુષણને વર્ષોનો નાતો હોય એમ દરેક તબકકાની પરીક્ષામાં ઢગલાબંધ કોપીકેસ અને ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાય છે ત્યારે ફરી એક વખત આગામી શનિવારથી યુનિવર્સિટીની ત્રીજા તબકકાની પરીક્ષાઓ શ‚ થનાર છે ત્યારે યુનિવર્સિટી તંત્ર સામે પરીક્ષા દરમિયાન ગેરરીતિ કે ચોરીઓ અટકાવવાનો સૌથી મોટો પડકાર છે.
ત્રીજા તબકકાની પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર-૨ રેગ્યુલરના ૨૦૫૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે બીએ સેમ-૨ના ૧૧૪૧૦, બી.એસ.સી. સેમ-૨ના ૭૮૮૫, બી.એ. સેમ-૨ એકસટર્નલના ૪૨૦૦, બી.સી.એ. સેમ-૨ના ૪૦૦૫, બી.બી.એ. સેમ-૨ના ૩૮૮૦ અને બી.કોમ સેમ-૨ એકસટર્નલના ૧૮૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શનિવારથી ત્રીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થશે ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા તંત્ર દ્વારા ગેરરીતિ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે જે કેન્દ્રમાં કે કોલેજમાં પરીક્ષા લેવાની છે ત્યાં સીસીટીવી કેમેરા અને ચેકીંગ સ્કવોર્ડથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમ છતા પ્રથમ બે તબકકાની પરીક્ષામાં ઢગલાબંધ ચોરીઓ અને કોપીકેસ પકડાયા હતા. હવે ત્રીજા તબકકાની પરીક્ષામાં યુનિવર્સિટી તંત્ર પરીક્ષા ચોરી અટકાવવામાં કેટલો સફળ રહેશે તે જોવું રહ્યું.
એલ.એલ.બી.માં માત્ર બે અને બાયો ઈન્ફોમાં પાંચ વિદ્યાર્થી જ પરીક્ષા આપશે
શનિવારથી યુનિવર્સિટીની ત્રીજા તબકકાની પરીક્ષાઓ શ‚ થઈ રહી છે ત્યારે વિદ્યાશાખાઓ પૈકી કેટલાક કોર્ષ એવા પણ છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર એક આંકડા પૂરતી સીમીત છે એટલે ત્રીજા તબકકાની પરીક્ષામાં અમુક કોર્ષમાં માત્ર ગણ્યાગાંઠયા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાંથી મળતી માહિતી મુજબ બી.એ., એલ.એલ.બી, ઈન્ટીગ્રેટેડ સેમ-૩માં માત્ર ૧ વિદ્યાર્થી નોંધાયો છે. જયારે સેમ-૩માં પણ ૧ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જયારે બીજી બાજુ બી.એસ.સી. બાયો ઈન્ફોમાં સેમ-૨ના માત્ર ૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે સેમ-૪માં ૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત બી.એ. હોમ સાયન્સમાં સેમ-૨માં ૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ યુનિવર્સિટીમાં કેટલીક વિદ્યાશાખાઓમાં માત્ર ગણતરીના જ વિદ્યાર્થીઓ જોડાયા છે.