હવે દેશને આર્થિક નુકસાન નહીં સાંખી લેવાય, દેશમાંથી ખોટી રીતે નાણા બહાર મોકલવાના કેસમા શાઓમી સામે કડક કાર્યવાહી, ઇતિહાસની સૌથી મોટી જપ્તી થશે
દેશ સાથે ગદારી કરતી કંપનીઓ સામે સરકાર આક્રમક બની રહી છે. કારણકે સરકાર હવે આર્થિક નુકસાન પહોંચાડતા કોઈ પણ પરિબળને સાંખી લેવા સહેજ પણ કચાશ રાખવા ઇચ્છતી નથી. જેને લઈને સરકાર હવે શાઓમીની 5551 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાની છે.
ચીની કંપનીઓ દ્વારા ભારતમાંથી પૈસા ખોટી રીતે સ્વદેશ મોકલવાના કેસની તપાસમાં આજે પ્રવર્તન નિર્દેશાલયને મોટી સફળતા મળી છે. ઈડીને રેડમી અને એમઆઈ બ્રાંડ ધરાવતી કંપની શાઓમીની 5551 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાની ઓથોરિટીએ મંજૂરી આપી છે
ભારત સરકાર દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ચીની મોબાઈલ ફોન ઉત્પાદક શાઓમીની રૂ. 5551 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપવામાં આવી છે. ઈડીએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ 29 એપ્રિલે ફેમાં હેઠળ જપ્તીનો આદેશ જારી કર્યો હતો અને ત્યારબાદ તેને સક્ષમ અધિકારીની મંજૂરી માટે મોકલ્યો હતો જેને આજે મંજૂરી મળી છે.આ સાથે શાઓમીની ટાંચમાં લીધેલ રૂ. 5551 કરોડની સંપત્તિ ભારતના ઈતિહાસની સૌથી મોટી જપ્તી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 30 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે ’કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર આઉટવર્ડ રેમિટન્સ’ના સંબંધિત કેસમાં ચાઇનીઝ ગેજેટ જાયન્ટની કંપનીના ભારતીય એકમ શાઓમી ઇન્ડિયા પાસેથી રૂ. 5551.27 કરોડ જપ્ત કર્યા છે. કંપની પર ફેમાના ભંગની સાથે મની લોન્ડરિંગનો પણ આરોપ છે.
ઈડીએ એપ્રિલની શરૂઆતમાં શાઓમીના ભૂતપૂર્વ ઈન્ડિયા હેડ મનુ કુમાર જૈનને સમન્સ પાઠવ્યું હતું અને તેમની પૂછપરછ કરી હતી. ઈડી કંપનીની ભારતમાં કામકાજની રીત અંગે ફેબ્રુઆરીથી તપાસ કરી રહી છે. ફેબ્રુઆરીમાં તપાસ એજન્સીએ કંપનીને નોટિસ મોકલીને અનેક દસ્તાવેજો માગ્યા હતા. શાઓમી ઈન્ડિયાએ વર્ષ 2014માં ભારતમાં કામ શરૂ કર્યું હતું. તે ચીનની અગ્રમી મોબાઈલ કંપની શાઓમીની પૂર્ણ માલિકીવાળી પેટા કંપની છે. શાઓમી ઈન્ડિયાએ 2015થી તેની પેરેન્ટ કંપનીને નાણાં મોકલવાનું શરૂ કર્યું હતું.
શાઓમી છુપી રીતે ત્રણ વિદેશી સંસ્થાઓને મોટું ફંડ મોકલ્યુ
ઇડીએ જણાવ્યું હતું કે કથિત ગેરકાયદેસર રેમિટન્સની તપાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ત્રણ વિદેશી સંસ્થાઓને રૂ. 5551.27 કરોડની સમકક્ષ ફોરેન કરન્સી મોકલ્યું છે. આ ત્રણ કંપનીઓમાંથી એક શાઓમી ગ્રૂપની કંપનીનો સમાવેશ થાય છે, જેને રોયલ્ટીના આડમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય અન્ય બે યુએસ સ્થિત સંબંધિત ન હોય તેવી કંપનીઓને મોકલવામાં આવેલી રકમ પણ અંતે શાઓમી ગ્રૂપને જ અંતિમ ફાયદા માટે મોકલવામાં આવી હતી, તેમ એજન્સીએ જણાવ્યું હતું.
ગદાર શાઓમી સાથે સ્થાનિક વેપારીની સંડોવણી શરમજનક
શાઓમી ચાઈનીઝ કંપની છે. જેનું ખાધું એનું જ ખોદયું, એવી આ કંપનીએ ભારતમાંથી અઢળક કમાણી કરી પણ જે દેશે તેને આટલું મોટું માર્કેટ સર કરવાની સવલત આપી તેની સાથે જ કંપનીએ વિશ્વાસઘાત કર્યો છે. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે શાઓમી કંપની તો ચાઈનીઝ છે. પણ તેની સાથે સ્થાનિક વેપારીઓની સંડોવણી શરમજનક છે.ગદારી કરતી કંપની સાથે પૈસા માટે જોડાવું અને તેની કરતૂતોના સહભાગી બનવું ખરેખર અપરાધથી ઓછી બાબત નથી. ત્યારે સરકાર આ કંપનીઓના સહભાગી એવા વેપારીઓ ઉપર એક્શન લ્યે છે કે કેમ તે જોવું રહ્યું.
સર્વિસ લીધી હોવાના ખોટા દસ્તાવેજના આધારે પૈસા ટ્રાન્સફર કર્યા
ઈડીએ કહ્યું કે, શાઓમીના ભારતીય એકમે તેની પેરેન્ટ કંપનીના કહેવાથી રોયલ્ટીની આડમાં આ રકમ આ કંપનીઓને ટ્રાન્સફર કરી હતી. ઈડીએ તેના નિવેદનમાં કહ્યું કે શાઓમી ઈન્ડિયા ભારતમાં જ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ પાસેથી સંપૂર્ણપણે બનેલા હેન્ડસેટ ખરીદે છે. તેણે વિદેશમાં કામ કરતી આ ત્રણે કંપનીઓની કોઈ સર્વિસ લીધી નથી, જેના નામ પર તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીએ અનેક નકલી દસ્તાવેજ બનાવીને રોયલ્ટીના નામે આ રકમ મોકલી છે, જે ફામાની કલમ-4નો ભંગ છે. ફેમાની કલમ-4 વિદેશી ચલણના હોલ્ડિંગ સાથે સંકળાયેલી છે. ઈડીનું કહેવું છે કે આ સિવાય કંપનીએ વિદેશમાં નાણાં મોકલતી વખતે બેન્કોને અનેક ’ભ્રામક માહિતી’ આપી હતી.