કોરોનાની ત્રીજી લહેરમાં માસુમ બાળકો ઝપટમાં આવે તેવી તજજ્ઞ દ્વારા દહેશત વ્યક્ત થઇ રહી છે ત્યારે જસદણના આલ્ફા કોચીંગ કલાસિસ અને હોસ્ટેલના સંચાલક દ્વારા પૈસા કમાવવાની લાલચમાં એક સાથે 555 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખી એક સાથે મોટી સંખ્યામાં માસુમ બાળકોના જીવનું જોખમ ઉભુ કર્યાની તંત્રના ધ્યાને આવતા મામલતદાર અને પોલીસ દ્વારા દરોડો પાડી આલ્ફા કલાસિસના સંચાલકની ધરપકડ કરી છે. તમામ વિદ્યાર્થીઓ પોતાના વતન જતા રહ્યા બાદ કલાસિસ સીલ કરવામાં આવશે તેમ મામલતદારે જણાવ્યું છે.
જસદણના ચીતલીયા રોડ પર આવેલા આલ્ફા કોચીંગ કલાસિસ અને હોસ્ટેલમાં જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓને એડમિશન આપી સરકારની ગાઇડ લાઇન અને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી 555 વિદ્યાર્થીઓને ટયુશન આપતા સંચાલક જયસુખ સંખાળવા સામે પોલીસે કોવિડ-19 માટે જાહેર કરાયેલા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવ્યાનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું છે.
જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરકારની ગાઈડલાઈન્સનો ઉલાળીયો થયો હોય તેમ તંત્રને અવગણી સંચાલક દ્વારા ધો. 4 અને 5 ના 555 વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ અંગેની બાતમી મળતા જસદણ મામલતદાર અને તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી સોમવારે મોડી રાત્રીના દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હોસ્ટેલના સંચાલક જયસુખ સંખાળવાને રંગેહાથ પોલીસે પકડી પાડ્યો હતો તેમજ તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો જસદણ મામલતદાર દ્વારા નોંધવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે 555 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા આલ્ફા કોચીંગ કલાસ અને હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરેઆમ કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ ક્લાસમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આ કોચિંગ ક્લાસમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જીલ્લાના બાળકો હોસ્ટેલમાં રહેતા હતા.
આ તમામ વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાંથી જસદણ મામલતદારે છોડાવ્યા હતા અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જોકે આગામી 24 કલાકમાં હોસ્ટેલમાં રહેલા તમામ બાળકોને પોતાના માતા-પિતાને પહોંચાડવામાં આવશે તેવી સંચાલક દ્વારા મામલતદારને લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને કંઇ થાય તો મને ફાંસીએ લટકાવજો!!
જસદણના ચિતલીયા રોડ પર આવેલા આલ્ફા હોસ્ટેલ અને કોચીંગ કલાસિસ પર ગઇકાલે મામલતદારે પોલીસ સ્ટાફને સાથે રાખી દરોડો પાડી 555 માસુમ વિદ્યાર્થીઓને પરત તેમના વતન મોકલવામાં આવ્યા છે. રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદના વિદ્યાર્થીઓના વાલીઓને આકર્ષિત કરવા માટે કલાસિસ સંચાલક જયસુખ સંખાળવાએ તમારા બાળકોને કંઇ થાય તો મને ફાંસીએ લટકાવજો તેવી સેખી મારી પોતાના કલાસિસમાં 555 વિદ્યાર્થીઓને એકઠાં કરી લીધાનું સામે આવ્યું છે. જોકે પોલીસે તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલી દીધા છે.
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની?
જસદણની આલ્ફા હોસ્ટેલના સંચાલક દ્વારા 555 વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કેટલું મોંઘું પડી શકે છે અને આટલા બાળકોના જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની તેવા અનેક વેધક સવાલો લોકોમાં ઊઠ્યા હતા. જસદણના ચિતલિયા રોડ પરની આલ્ફા હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા ધો.4 અને 5 ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચરને થઈ હતી. જેથી જસદણ મામલતદાર પી.ડી.વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા. ત્યાં પહોંચતા 555 વિદ્યાર્થીઓ હોવાનું સામે આવતા તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. કોરોના મહામારી વચ્ચે આવી ગંભીર બેદરકારી બદલ ક્લાસ સંચાલક જયસુખ સંખાળવા સામે જસદણ પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.
જોકે આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ પણ બેજવાબદાર ગણાય. કારણ કે તેમણે કોરોના મહામારીમાં પોતાના સંતાનોના જીવને જોખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા. જોકે આ અંગે આલ્ફા હોસ્ટેલ દ્વારા તમામ વાલીઓને પોતાના સંતાનોને તા.24થી 25 મેં સુધીમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં લઈ જવાની સુચના આપી દેવામાં આવતા અનેક વાલીઓ પોતાના સંતાનોને લેવા માટે દોડી આવ્યા હતા અને તેમના સંતાનોને ઘરે પરત લઈ ગયા હતા.