આરટીઆઈ કાયદાના અમલીકરણથી લઈને અત્યાર સુધીમાં 47000 કરતા વધુ બાળકોના ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરતી રાજ્ય સરકાર
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત આર્થિક અને વંચિત વર્ગ માટે શિક્ષણના અધિકારનો કાયદો રાઈટ ટુ એજ્યુકેશન (RTE) આશાનું નવું કિરણ બન્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અમલી RTE એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ હવે તેમની મનપસંદગીની ખાનગી શાળામાં ભણી શકે છે.
સુસંસ્કૃત અને ચારિત્ર્યવાન સમાજ નિર્માણમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે. રાષ્ટ્રના ઉત્તમ નાગરિકના ઘડતરમાં પાયાનું અને પ્રાથમિક શિક્ષણ મળે તે ખુબ જ જરૂરી છે. શાળાએ ઉત્તમ જીવન ઘડતરનો પ્રથમ અધ્યાય છે. દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો ભણી-ગણીને ખુબ આગળ વધે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ખાનગી શાળાનું સારું શિક્ષણ એ માત્ર એક સ્વપ્ન બનીને રહી જતું. પરંતુ સંવેદનશીલ સરકારે જ્યારથી RTE એક્ટ અમલમાં મુક્યો છે ત્યારથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા વાલીઓ સમર્થ બન્યા છે.
રાજકોટ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ થયેલી કામગીરી અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લામાં RTE હેઠળ કુલ 979 શાળાઓ નોંધાયેલ છે, જેમાં 482 શાળા રાજકોટ શહેર તથા 497 શાળા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. ચાલુ વર્ષ 2022-23માં રાજકોટ શહેરનાં 3461 બાળકો તથા ગ્રામ્ય વિસ્તારનાં 2054 બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, RTE એક્ટ વર્ષ 2009 થી અમલમાં આવ્યો અને વર્ષ 2013 થી શાળાઓમાં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2013થી લઈને અત્યાર સુધીમાં RTE હેઠળ કુલ 47000 થી પણ વધુ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સુવિધા પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ એક બાળક દીઠ શાળાને રૂા.13000 શૈક્ષણિક ફી તરીકે ચુકવવામાં આવે છે,
જ્યારે રૂા.3000 બાળકને યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા માટે સહાય પેટે ચુકવવામાં આવે છે. રાજકોટ જિલ્લાની 979થી વધુ શાળાઓમાં RTE હેઠળ અભ્યાસ કરતા 47000થી વધુ બાળકોની અંદાજીત રૂપિયા 32 કરોડથી વધુની ફી રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ ઉમેર્યું હતું.