ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪૦,૦૦૮ આત્મહત્યા કે અપમૃત્યુના બનાવો બન્યા છે, એનો મતલબ ગુજરાતમાં રોજના ૫૫ લોકો જિંદગી ટૂંકાવી રહ્યા છે. ગુરુવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં આ વિગતો બહાર આવી છે.

કોંગ્રેસે જણાવ્યું કે, ૪૦,૦૦૮ અપમૃત્યુ કે આત્મહત્યાના બનાવો બન્યા તે પૈકી ૩૩,૩૨૪ કેસોની તપાસ પૂર્ણ થઈ છે જ્યારે ૭,૦૮૨ કેસોની તપાસ ચાલુ છે. આત્મહત્યા કે અપમૃત્યુમાં રાજકોટ જિલ્લો અવ્વલ નંબરે છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૫,૧૪૦ કેસો નોંધાયા છે તો સૌથી ઓછા બનાવો પાટણ જિલ્લામાં ૨૨૨ નોંધાયા છે.

વડોદરા જિલ્લામાં ૧૫૫૪ તથા ગાંધીનગર જિલ્લામાં ૧૧૫૨ કેસો નોંધાયા છે. ગુજરાત સરકાર એક તરફ દાવા કરે છે કે, વિકાસની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી છે પરંતુ બીજી બાજુ પ્રેશર, માનસિક ત્રાસ, દેવા સહિતના જુદા જુદા કારણસર લોકો આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે.

અમદાવાદની મેન્ટલ હોસ્પિટલના સાઈકિયાટ્રી ડો. રમાશંકર યાદવે જણાવ્યું કે, ડિપ્રેશનમાં હોય ત્યારે જે તે વ્યક્તિને શું ટેન્શન છે, તેના કારણો, કયા રસ્તા કાઢી શકાય તે સંદર્ભે દવા અને કાઉન્સેલિંગ જરૂરી છે. આવી વ્યક્તિની હૂંફ આપવી જરૂરી છે, જેથી મનની વાત શેર કરી શકે.

આ રીતે ડિપ્રેશનને કંટ્રોલ કરી શકાય તેમ છે. સાઈકિયાટ્રીના અભ્યાસમાં નાના મોટા રિસર્ચ થતાં રહે છે, જેમાં આત્મહત્યા કે અપમૃત્યુ માટેના જુદા જુદા કારણો સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓે અભ્યાસને લઈ પ્રેશર, રિઝલ્ટ પોતાને યોગ્ય ન લાગે તો આવું પગલું ભરતાં હોય છે.

આ ઉપરાંત ધંધામાં ખોટ, દેવું વધી જવું, મોબાઈલના કારણે ખરેખર તો કોમ્યુનિકેશન ઘટયું છે, સ્વભાવમાં ફેર થયો છે, રિલેશનશીપના ઈશ્યૂ વગેરે સામેલ છે.

સૌથી વધુ આત્મહત્યા કે અપમૃત્યુના ક્યાં કેટલા બનાવ

ક્રમ જિલ્લો       કેસ

૧. રાજકોટ      ૫૧૪૦
૨. અમદાવાદ   ૪,૩૩૨
૩. વલસાડ      ૪,૨૨૬
૪. સુરત         ૪૦૪૭
૫. જામનગર    ૧૭૬૩
૬. કચ્છ          ૧૫૮૦
૭. આણંદ        ૧૫૬૮
૮. વડોદરા        ૧૫૫૪
૯. જૂનાગઢ       ૧૫૨૪
૧૦. ગાંધીનગર    ૧૧૫૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.