પુરથી થયેલા નુકસાનીનો પ્રાથમિક અંદાજ જાહેર કરતા કલેકટર
ખેતીવાડીને રૂ. 3.8 કરોડ, નાલા-પુલને રૂ. 15 કરોડ અને કમ્પાઉન્ડ વોલને રૂ.1 કરોડનું નુકસાન થયું
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પુરની સ્થિતિને લીધે વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે. જેમાં જિલ્લામાં 55 પશુઓના મોત નિપજ્યા છે. જ્યારે 15 મકાન ધરાશાયી થયા છે. રોડ- રસ્તાને રૂ. 40 કરોડ, ખેતીવાડીને રૂ. 3.8 કરોડ, નાલા-પુલને રૂ. 15 કરોડ અને કમ્પાઉન્ડ વોલને રૂ.1 કરોડનું નુકસાન થયું હોવાનું જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડવાના લીધે નદી- નાળા- ડેમ- તળાવમાં વ્યાપક પાણીની આવક થઈ હતી. જેને કારણે સમગ્ર જિલ્લામાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમિયાન હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક લોકો ફસાયા હોય તેઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ પૂરના લીધે જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ગઈકાલે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જિલ્લામાં 100 કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ રજૂ કર્યો હતો. આ સાથે જિલ્લા કલેકટરે જાહેર કર્યું હતું કે 225 જેટલી ટિમો સર્વે કરી રહી છે. આ સર્વે પૂર્ણ થયા બાદ ચોક્કસ નુકસાનનો આંક જાહેર કરવામાં આવશે. વધુમાં આજે જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ નુક્સાનીનો વિસ્તૃત પ્રાથમિક અંદાજ રજૂ કર્યો હતો.
જેમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં પુરથી રોડ રસ્તાને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લામાં રોડ રસ્તાને અંદાજે રૂ. 40 કરોડનું નુકસાન થવા પામ્યું છે. આ સાથે જિલ્લામાં પુરના લીધે 15 મકાનો પણ ધરાશાયી થયા છે. પુરમાં તણાઈ જવાથી તેમજ પાણીમાં ડૂબી જવાથી 55 પશુઓના મોત પણ નિપજ્યા છે.
વધુમાં જણાવાયું હતું કે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘણા વિસ્તારોમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ખેતીવાડીને અંદાજે 3.8 કરોડનું નુકસાની થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જિલ્લામાં નાલા તથા પુલને રૂ. 15 કરોડનું નુકસાન પહોંચ્યું છે. કમ્પાઉન્ડ વોલને રૂ. 1 કરોડનું નુકસાન થયું છે.
વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે જિલ્લામાં પાણીના ભરાવાને કારણે 38 રસ્તાઓ બ્લોક થયા હતા. જે હાલ ચાલુ થઈ ગયા છે. 185 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તે પણ પૂર્વવત થઈ ગયો છે. 27 ગામોમાં ટ્રાન્સફોર્મર બળી ગયા હતા. જેને રીપેર કરી દેવામાં આવ્યા છે.
સ્થળાંતરીતોને કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે
જિલ્લા વહીવટી તંત્રમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં પુરની સ્થિતિ દરમિયાન અંદાજે 3000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી તે જ દિવસે 1900 લોકોને પોતાના ઘરે પરત જવા દેવામાં આવ્યા હતા. જ્યારે હાલ સુધી 537 લોકો આશ્રય સ્થાનોમાં હજુ આશરો મેળવી રહ્યા છે. તેઓના નિવાસ સ્થાને હજુ પાણી ભરાયેલ હોય તેઓ પોતાના નિવાસ સ્થાને જઈ શકે તેમ નથી. વધુમાં સ્થળાંતરીતોને ત્રણ દિવસનું કેશ ડોલ્સ ચુકવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.