શિક્ષકોનું આત્મગૌરવ વધારવા તથા પસંદગીથી શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું
અબતક, રાજકોટ
શિક્ષક કભી સાધારણ નહીં હોતા ચાણક્યના આ વાક્યને સાર્થક કરતું રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું ઉમદા પગલું. જિલ્લા કક્ષાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું રાજકોટ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાના 533 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોનું આત્મ ગૌરવ વધે તથા શિક્ષણ ક્ષેત્રે તેઓ પસંદગીથી પ્રવેશ કરે તેમાટે આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું આ શ્રેષ્ઠ પગલું કહી શકાય તેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શિક્ષક દિવસના શિક્ષકની આવી નોંધ લેવાથી તેના કારકિર્દીમાં નવા સફળતાના શિખરો સર કરવા માટે તેમને પ્રોત્સાહન મળે છે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કમિટીના સભ્યોનો ખૂબ સહયોગ રહ્યો હતો.કાર્યક્રમમાં રાજકોટ શહેર કલેકટર અરુણ મહેશ બાબુ,રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા,મેયર ડો. પ્રદીપભાઈ ડવ તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ,સંત મહાત્મા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ એવોર્ડ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં શિક્ષક ગણાય હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી.વી મહેતા તથા કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
શિક્ષણ ક્ષેત્રે તક નહીં પરંતુ પસંદગીથી શિક્ષક પ્રવેશ કરે:ડી.વી મહેતા(પ્રમુખ)
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષકો પસંદગીથી આ ક્ષેત્રમાં આવે નહીં કે તક સમજીને પ્રેવશ કરે.શિક્ષકોનું આત્મ ગૌરવ વધારવા કાર્યક્રમ યોજયો છે. આવનારી પેઢીના તેમના સંતાનો શિક્ષક બને તેમાટે તેમને આત્મસન્માન આપવું જરૂરી છે. આવું વાતાવરણ ઊભું કરવાથી જ સાચા અર્થમાં શિક્ષણ વ્યવસ્થા આગળ વધશે.
શિક્ષણ ક્ષેત્રે આવા એવોર્ડ પ્રાપ્ત કરવાથી શિક્ષકો વધુ પ્રોત્સાહિત થાય છે: કિરણબેન ડાંગર
પુરુષાર્થ વિદ્યા મંદિર સ્કૂલના શિક્ષક કિરણબેન ડાંગરએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં અમારા અનુભવ અને શિક્ષણમાં તમામને સમકક્ષ રાખી અમારી કામગીરીને ધ્યાને રાખીને એવોર્ડ થી સન્માનિત કર્યા છે.
એવોર્ડથી સન્માનિત થવા બદલ ગર્વ અને હર્ષ અનુભવું છું :ભારતીબેન સોસાણી
રાજકોટની શ્રદ્ધા સ્કૂલના શિક્ષક સોસાણી ભારતીબેનએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષક દિવસના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનું ખુબ જ સારૂ આયોજન કરાયું છે.એવોર્ડ થી સન્માનિત થવા બદલ હું ગર્વ અનુભવી રહી છું. માત્ર શિક્ષકો માટે આવો કાર્યક્રમ યોજાય છે.