અબતકની મુલાકાતમાં યજ્ઞ અને માતાજીની ઉપાસનાનું મહાત્મ્ય સમજાવતાં ગુરૂ-ભક્તજનો
ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં વિઘ્નહર્તા દેવી તરીકે પૂજનીય ર્માં પીતાંબરી બગલામુખી માતાજીના પાવન 51 કુંડી યજ્ઞનું વાંકાનેરમાં આયોજન કરાયું છે.
‘અબતક’ની મુલાકાતે આવેલ ગુરૂ મહેન્દ્રભાઇ રાવલ, ડો.રાજેશ ત્રિવેદી, હિમાંશુભાઇ જોષી અને ભૌતિક ગેડીયાએ આ અંગે વિગતો આપતા જણાવેલ કે રાજકોટની અનેક સંસ્થાનો સહયોગ પણ એમાં મળી રહ્યો છે. રવિવારે તા.8 જાન્યુઆરી સવારે 9 વાગ્યાથી યજ્ઞનો આરંભ થશે. રવિવારે તા.8 જાન્યુઆરી સવારે ગુરૂપૂજન સાથે આ પાવન કાર્યની શરૂઆત થશે. ત્યારબાદ ગણેશજી, ભૈરવ, યોગિની, ક્ષેત્રપાલ તથા મા પીતાંબરાનું પૂજન થશે. ગાયત્રી માતા, મહા મૃત્યુંજય, ગ્રહહોમ બાદ બપોરે 12.30એ ફળાહાર અપાશે.
બપોરે 2 વાગ્યે શ્રીસૂક્ત તથા અષ્ટોત્તર સતનામ હોમનો આરંભ થશે અને 3 વાગ્યે પીતાંબરા બગલામુખી પીતાંબરા હોમ શરૂ થશે. સુંદર વ્યક્તિગત વિકાસથી લઇને સમાજ ઉત્થાન, દેશનું કલ્યાણ અને વિશ્ર્વકલ્યાણ સહિતના ઉદ્ેશ આ યજ્ઞકાર્ય પાછળ છે.
પરંતુ યજ્ઞના અંતિમ તબક્કામાં ઇચ્છાપૂર્તિ હોમ પણ થશે. જે 51 ભાવિકો યજ્ઞમાં બેસવાના છે એ સિવાયના જે લોકો ત્યાં હાજર હશે એ બધા પણ એમાં આહૂતિ આપી શકશે. સાંજે પાંચ વાગે બીડું હોમાશે અને ત્યારબાદ સંતો આશિર્વચન પાઠવશે. યજ્ઞ દરમિયાન વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠના અધ્યક્ષ અશ્ર્વિનભાઇ રાવલ, બોટાદના ભજનાનંદ આશ્રમના પૂ.સ્વામી આત્માનંદજી સરસ્વતીજી સહિતના સંતો ઉ5સ્થિત રહીને આશિર્વાદ આપશે.
જે લોકો યજ્ઞના યજમાન છે એમણે પરંપરા અનુસાર પીળાં વસ્ત્ર પહેરવાના રહેશે. સવારે 8 વાગ્યે સ્થળ પર પહોંચીને સ્થાન ગ્રહણ કરવાનું રહેશે. પીતાંબરા બગલામુખી માતાજીની ઉપાસના કે પૂજા માત્ર પણ જો ભાવથી કરવામાં આવે તો ભક્તોને એનું ફળ મળતું હોય છે તો આ તો એમની દિવ્ય ચેતનાનો યજ્ઞ યોજીને આહૂતિ આપવાની વાત છે. રાજકોટમાં થઇ રહેલો આ યજ્ઞ ધર્મક્ષેત્રે એક અનન્ય આયોજન સાબિત થશે. બેસનાર ભક્તોને માતાજીનું સિધ્ધયંત્ર, ફોટો, માળા પણ આપવામાં આવનાર છે. આ તમામ તૈયારી સંપન્ન થઇ ચૂકી છે.
51 કુંડી યજ્ઞમાં અલગ-અલગ આકારના યજ્ઞ કુંડોનું ખાસ મહાત્મ્ય
‘અબતક’ની મુલાકાતમાં ગુરૂ મહેન્દ્રભાઇ રાવલે જણાવ્યું કે સામાન્ય રીતે યજ્ઞ કુંડ ચોરસ હોય છે પણ ર્માં પીતાંબરા યજ્ઞમાં અલગ-અલગ છ આકારના કુંડો રખાશે. કુંડના આકારથી યજ્ઞની શક્તિ ઉપાર્જન અને ઉપાસનાના ફળમાં વધારો થાય છે.
પિતાંબરા બગલામુખી માતાજી એટલે વિઘ્નહર્તા દેવી
બગલામુખી પિતાંબરા માતાજીને વિઘ્નહર્તા અને શત્રુનો ક્ષય કરનારા દેવી તરીકે લોકો પૂજે છે. માતાજીની ઉપાસના બાંગ્લાદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં સવિશેષ થાય છે પણ શાસ્ત્રો મુજબ બગલામુખી માતાજીનું પ્રાગટ્ય સૌરાષ્ટ્ર મધ્યે પિત સરોવરમાં થયું છે એટલે સૌરાષ્ટ્ર બગલામુખી માતાજીની પ્રાગટ્ય ભૂમિ હોય પિતાંબરા પીઠ શોધ સંસ્થાન ર્માં પીતાંબરા બગલામુખી માતાજીની ચેતના અને ભક્તિભાવ સૌરાષ્ટ્રમાં વધારવા કાર્ય કરી રહી છે.