ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો નામના દેશમાં ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. નદીમાં બોટ પલટી જતાં 50થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માત કાંગો નદીમાં થયો છે. બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. ઉત્તર પશ્ચિમ પ્રાંત મોંગલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મગબાડોએ કહ્યું કે 51 મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે. જ્યારે બોટમાં સવાર અન્ય 69 લોકો હજુ પણ લાપતા છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 39 લોકોનો આબાદ બચાવ થયો છે.
અગાઉ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 15 ફેબ્રુઆરીએ બોટ પલટી જતાં 60 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પણ કોંગો નદીમાં થયો હતો. હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકો હતા, જેના કારણે બોટ ડૂબી ગઈ હતી. નાગરિક બાબતોના મંત્રી સ્ટીવ મબિકાઈએ જણાવ્યું હતું કે આ બોટમાં 700 લોકો હતા. તેમણે કહ્યું હતું કે આ ઘટના દેશના માઇ-નોદમ્બે પ્રાંતમાં બની છે. બોટ એક દિવસ પહેલા જ કિન્હાસા પ્રાંતથી મબંદકા માટે રવાના થઈ હતી. બોટ માઇ-નોમાડબે પ્રાંતના લોંગગોલા ઇકોટી ગામ નજીક પહોંચી ત્યારે ડૂબી ગઇ હતી.
જાન્યુઆરીમાં પણ બોટ અકસ્માત થયો હતો
મંત્રીએ કહ્યું કે હોડી ડૂબવાનું સાચું કારણ ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા તે છે. આજના આ ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મંત્રી-આગેવાનોએ સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ આ ઘટનામાં જવાબદારો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. ગત જાન્યુઆરીમાં પણ એક બોટ અકસ્માત થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
કોંગો નદી લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર રસ્તો છે
કોંગોમાં આવા ગંભીર બોટ અકસ્માતો સામાન્ય છે. ખરેખર, દેશભરમાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે લોકો બોટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે, આને કારણે, વધુ સંખ્યામાં લોકો બોટમાં સવાર થાય છે. તે જ સમયે, વધુ ભાર પણ ખલાસીઓ દ્વારા લાદવામાં આવે છે. આ તમામ કારણો બોટ દુર્ઘટનાનું કારણ બને છે. કોંગો માટે લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર સ્ત્રોત કોંગો નદી છે. નોંધપાત્ર બાબત એ છે કે કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. આર્થિક સધ્ધરતાના અભાવે અહીની સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપવામાં અસમર્થ છે.