- મેન્યુફેક્ચરીંગ ડેઇટ તથા યુઝ બાય ડેઇટ ન દર્શાવેલા 15 કિલો વાસી પાઉં, 18 કિલો ચટ્ટણી અને 18 કિલો એક્સપાયરી ડેઇટ વિતી ગયેલી બેકરી પ્રોડક્ટસનો નાશ કરાયો: પનીર અને રબડી ઘેવર મીઠાઇના નમૂના લેવાયા
ચોમાસાની સિઝનમાં સતત વકરી રહેલા રોગચાળાને કાબૂમાં લેવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, સંસ્થાની કેન્ટીન, ઇટરીઝ અને હોર્ક્સ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંબા ભવાની બેકરી અને ઓમ રેસ્ટોરન્ટમાંથી 51 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ આપવામાં આવી હતી.
આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકીની સામે અંબા ભવાની બેકરીમાં મેન્યુફેક્ચરીંગ ડેઇટ કે યુઝ બાય ડેઇટ દર્શાવેલી ન હોય તેવા વાસી અને અખાદ્ય 15 કિલો પાઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વાસી અને અખાદ્ય 18 કિલો લીલી ચટ્ટણી પણ મળી આવી હતી. કુલ 33 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. 80 ફૂટ રોડ પર પટેલ ચોકમાં શ્રીજી હાઇટ્સ પાસે ઓમ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન એક્સપાયરી ડેઇટ વિતી ગયેલી 18 કિલો બેકરી પ્રોડક્ટનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઓમ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી લોન્જમાંથી લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે કુવાડવા રોડ પર ડી-માર્ટ સામે રાજસ્થાની જોધપુર સ્વીટ્સ એન્ડ નમકીન ઘેવર લૂઝ મીઠાઇનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. ચુનારાવાડ ચોક વિસ્તારમાં ખાણીપીણીની 18 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ખોડિયાર દાળ-પકવાન, બાલાજી ફરસાણ, ચામુંડા દાળ-પકવાન, ચામુંડા ફરસાણ, માટેલ દાળ-પકવાન, રાજ એજન્સી, શિવ આઇસ્ક્રીમ, જોકર આઇસ્ક્રીમ, સાગર કોલ્ડ્રિંક્સ, જય માતાજી છોલે-ભટૂરે, મિસ્ટર શેફ ચાઇનીઝ-પંજાબી અને રામનાથ પ્રોવિઝન સ્ટોરને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.