મા કાર્ડ વિતરણ સમારોહ
મુખ્યમંત્રીશ્રી
- લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના ગરીબ-વંચિત-પીડિત અને જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારોના આરોગ્ય સહિત સર્વાંગી સુવિધાના કામો માટે જનસેવા યજ્ઞ માટે આહવાન
- લોકપ્રતિનિધિઓ પ્રત્યેક વ્યક્તિના દુખઃદર્દ માટે તેમની પડખે આપ્તજન બનીને ઊભા રહે
- મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના ગરીબો માટે આર્શીવાદરૂપ
- રાજ્ય સરકારે જીવમાત્રની ચિંતા કરી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી
- રાજ્યમાં મા વાત્સલ્ય કાર્ડ યોજના હેઠળ ૬૪.૦૬ લાખ પરિવારો આવરી લેવાયા છે
- રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૨.૧૦ લાખ વ્યક્તિઓને રૂા. ૧૭૧ અબજની સહાય
- મા વાત્સલ્ય યોજના હેઠળ વડોદરા જિલ્લાની ૭૨ હજાર ઉપરાંત વ્યક્તિઓને રૂા. ૧૧૭ કરોડની સહાય.
શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબને ગરીબોના આંસુ લુછવાના ઉત્તમ સેવા કાર્ય બદલ મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન
વડોદરામાં શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા ૫૦૦૦ મા કાર્ડનું વિતરણ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જનતાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના ગરીબ, વંચિત, પીડિત અને જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારોના આરોગ્ય સહિત સર્વાંગી સુવિધાના કામો માટે જનસેવા યજ્ઞ માટે આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકપ્રતિનિધિનું એ સમાજ દાયિત્ય બને છે કે પોતાના મતવિસ્તારના પ્રત્યેક વ્યક્તિના દુઃખ દર્દ માટે તેની પડખે આપ્તજન બનીને ઊભા રહે, જેથી સમાજના છેવાડાના માનવીના જીવનમાં સુખનો સૂરજ ઉગશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે વડોદરામાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આયોજિત આરોગ્ય વિષયક રાજ્યની સર્વશ્રેષ્ઠ મા કાર્ડ યોજના હેઠળ ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાવપુરાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા શહેરના વોર્ડ નં. ૧૬માં કાર્યકરો દ્વારા ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને શોધીને તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓના મા કાર્ડ બનાવવામાં આવ્યા છે. જે સમગ્ર રાજ્યમાં વિક્રમજનક ઘટના છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થનાર છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યના પાત્રતા ધરાવતા તમામ પરિવારોને આવરી લેવામાં આવશે.
આ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોની સરકાર છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સુરક્ષા અને સુવિધા પુરી પાડવા માટે અમલી મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના ગરીબો માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ગરીબો અને જરૂરિયાતમંદો ગામડાઓ, ખેડૂતો-મહિલાઓ યુવાઓને પ્રાધાન્ય આપીને યોજનાઓ બનાવી છે જેને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં સરકારના વિભાગો પ્રતિબદ્ધ બન્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની લગ્ન પ્રસંગે રાહત દરે એસટી બસ સેવા, અકસ્માતમાં ધવાયેલા લોકો માટે ખાનગી/સરકારી હોસ્પિટલોમાં રૂપિયા ૫૦ હજારની ત્વરિત સહાય જેવી યોજનાઓની વિશદ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતની સાડા છ કરોડ જનતા ઉપરાંત જીવમાત્રની ચિંતા કરી છે. પશુઓની સારવાર માટે સરકારે કરૂણા અભિયાન ઉપાડ્યું છે. એટલું જ નહીં પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૯૬૨ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પશુ સારવાર કેમ્પો મારફત કરોડો મુંગા પશુઓની સેવા કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબને ગરીબોના આંસુ લૂછવાના ઉત્તમ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સત્તાનો ઉપયોગ સામાજિક અને ગરીબોના ઉત્કર્ષ માટે કર્યો છે જે દિશાદર્શક બની રહેશે તેમ જણાવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સમાજના ગરીબમાં ગરીબ વ્યક્તિને આરોગ્ય સુરક્ષા કવચ મળી રહે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મા કાર્ડ યોજના અમલી બનાવી હતી. આ યોજનામાં પ્રથમ તબક્કામાં ૩૫ લાખ બીપીએલ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે મધ્યમ વર્ગના પરિવારોને મદદરૂપ થવા મા વાત્સલ્ય યોજના અમલમાં મુકી મધ્યમ વર્ગના પરિવારોને પણ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રી પટેલે ઉમેર્યું કે, મા અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ સરકારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેન્સર, કીડિની, હદય જેવી ગંભીર બીમારીઓમાં રૂા. ત્રણ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજો પડતો નથી.
નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ ૬૪.૦૬ લાખ પરિવારો એટલે રાજ્યની ૩.૨૫ કરોડ જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. જે પૈકી ૧૨.૧૦ લાખ વ્યક્તિઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. જેની પાછળ રાજ્ય સરકારે ૧૭૧ અબજ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
વડોદરા જિલ્લામાં આ યોજના હેઠળ ૨,૯૮,૩૩૫ પરિવારના ૧૫ લાખ લોકોને આવરી લીધા છે. જે પૈકી ૭૨૭૪૦ વ્યક્તિઓએ યોજનાનો લાભ લીધો છે. જેની પાછળ રાજ્ય સરકારે રૂા. ૧૧૭ કરોડનો ખર્ચ કર્યો છે. વડોદરા શહેર જિલ્લામાં યોજનાના અમલ માટે ૨૩ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં માન્યતા આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોઇપણ પરિવાર વંચિત રહેશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે સિનિયર સિટીઝન્સની પણ ચિંતા કરી પાંચ લાખ સુધીની આવક ધરાવતા સિનિયર સિટીઝન્સને પણ મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે રાજ્ય સરકાર રૂા. ૮૦ હજારની સહાય કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાજ્યમાં મેડિકલની બેઠકોમાં પણ વધી છે.
શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પોતાના વિસ્તારમાં માનવસેવાનું અદકેરૂ કામ કરી સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી સામાજિક સમસરતાનો અનોખો સંદેશો પહોંચાડ્યો છે. જે અભિનંદનીય છે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
પ્રારંભમાં સૌનો આવકાર કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, ગત ઉનાળાના આકરા તાપ-ગરમીમાં ફેન ક્લબના કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરી ૪૦ દિવસ સુધી વોર્ડ નં. ૧૬માં ૨૦ સેન્ટર દ્વારા ગરીબો-વંચિતોના ૫૦૦૦ પરિવારોના મા કાર્ડ તૈયાર કરવાની કામગીરી કરી છે. જેનાથી ૨૦૦૦૦ જેટલા કુટુંબના સભ્યોને આરોગ્ય સુરક્ષા કવચ પ્રાપ્ત થયંર છે.
શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, અગાઉ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ૧૦૦૦ મા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ૫૦૦૦ મા કાર્ડ તૈયાર કરીને સમગ્ર રાજ્યમાં વિક્રમજનક કામગીરી કરી છે. તેમણે ફેન ક્લબના સૌ કાર્યકરોને માનવસેવાના આ ઉમદા કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, મેયર શ્રીમતી જિગીષાબેન શેઠ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ સુખડિયા, યોગેશ પટેલ, શ્રીમતી મનીષાબહેન વકીલ, શ્રીમતી સીમાબહેન મોહિલે, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, શ્રી શૈલેષ મહેતા, ડેપ્યુટી મેયરશ્રી જીવરાજ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અજય ભાદુ, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, કોર્પોરેટરશ્રીઓ, શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબના સભ્યો, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો અને લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.