છેલ્લા છ માસથી ધંધા ઠપ્પ: નિકાસકારોમાં ભારે દેકારો: જી.એસ.ટી. તંત્ર જવાબ દેતુ નથી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના સંખ્યાબંધ ઉદ્યોગકારો અને એકસ્પોર્ટરોના કરોડો ‚પિયાના જીએસટી રિફંડ છેલ્લા કેટલાક સમયથી જીએસટી કચેરીમાં અટવાતા ઉદ્યોગકારો અને વેપારી વર્ગમાં ભારે દેકારો મચી જવા પામ્યો છે. આ વિકટ પ્રશ્ન અંગે ઉદ્યોગકારો અને એકસ્પોર્ટરો તેમજ વેપારી સંગઠનો દ્વારા વારંવાર જીએસટી કચેરીમાં રજૂઆતો કરવા છતાં આજ સુધી આ પ્રશ્નનો હલ થયો ન હોય જીએસટી કચેરીમાં સતત રિફંડનો ભરાવો થઈ રહ્યો છે.
આ અંગેની સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ જીએસટીમાં રિફંડ લેવાના જે વેપારીઓ થતાં હોય છે તે બે પ્રકારના હોય છે. જેમાં ખરીદીમાં વધારે ટકા હોય અને વેંચાણમાં ઓછા ટકા હોય તેવો વેપારી વર્ગ તેમજ બીજા વર્ગમાં જે એકસ્પોર્ટરો છે તેવા વેપારીઓ આ બન્ને વર્ગના વેપારીઓને જીએસટી કાયદા હેઠળ રિફંડ લેવાનું થતું હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, રિફંડની આ પ્રક્રિયા ખુબજ અટપટી અને છાશવારે નવા ફતવાવાળી છે.
આ ઉપરાંત રાજકોટ જીએસટી વિભાગમાં સ્ટાફનો પણ અભાવ છે અને હાલમાં મોટાભાગના જીએસટી ઈન્સ્પેકટરોને સ્થળ તપાસની કામગીરી સોંપી દેવામાં આવી છે. આમ ઉપરોકત કારણોસર રાજકોટ જીએસટી વિભાગમાં સૌરાષ્ટ્ર કચ્છના લગભગ ૫૦૦ જેટલા એકસ્પોર્ટરો અને ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના રિફંડનો ભરાવો થઈ ગયો છે. એવી વિગતો પણ સાંપડે છે કે, લગભગ છેલ્લા છએક માસથી આ રિફંડનો ભરાવો જીએસટી કચેરીમાં થઈ ગયો છે.
વેપારી વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લગભગ ૧૦૦ કરોડથી વધુની રકમના રિફંડનો ભરાવો થઈ ગયો છે. જેના કારણે એકસ્પોર્ટરો અને ઉદ્યોગકારોમાં ભારે દેકારો મચી ગયો છે. ઉદ્યોગકારો અને એકસ્પોર્ટરો જણાવે છે કે, છેલ્લા એક માસથી વેપારીઓની મુળી રોકાતા હાલ એકસ્પોર્ટના ધંધા ઠપ્પ થઈ ગયા છે. આથી સરકાર તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી રજૂઆત ગુજરાત સેલટેકસ બાર એસો. દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.