દેશના કુલ નોંધાયેલા ૧૭ લાખ વકીલોમાં મહિલાઓની ફક્ત ૧૫% ભાગીદારી ચિંતાનો વિષય: એન.વી. રમણા

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન. વી. રમણાએ મંગળવારે મહિલા વકીલોના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ અદાલતોમાં મહિલાઓના ૫૦% પ્રતિનિધિત્વ માટે કોલેજિયમ કમિટી સાથે મળીને આયોજન કરી રહ્યા છે. નોંધનીય છે કે, સર્વોચ્ચ અદાલતમાં ૩૩ પૈકી ચાર મહિલા ન્યાયાધીશો છે અને હાલમાં હાઇકોર્ટમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા માત્ર ૧૧.૫% છે.

વકીલ સંગઠન ‘વુમન ઇન લો એન્ડ લિટિગેશન’ દ્વારા જસ્ટિસ હિમા કોહલીના સન્માન માટેના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ રમણાએ સ્વીકાર્યું હતું કે, ચીફ જસ્ટિસ બનવું અનિવાર્યપણે તણાવપૂર્ણ છે પરંતુ તેનો સામનો કરવો જરૂરી છે. બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશો તરીકે મહિલાઓના ૫૦% પ્રતિનિધિત્વની માંગ પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેમણે આ બાબતની  નોંધ લીધી છે અને કોલેજિયમ કમિટીમાં આ અંગે ચોક્કસ વિચારણા કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, વધુમાં વધુ મહિલા ન્યાયાધીશો મેળવવા માટે છોકરીઓએ ગ્રેજ્યુએશન માટે લોના વિષયને પસંદગી આપવી જોઈએ. આ જ કારણ છે કે, મેં છેલ્લી વખતે દેશભરની લો કોલેજોમાં પ્રવેશ માટે છોકરીઓ માટે અનામતની અમુક પ્રકારની સમાન નીતિની ભલામણ કરી હતી.

ચીફ જસ્ટિસે થોડા દિવસો પહેલા નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પોતાનો વ્યક્તિગત અનુભવ વર્ણવ્યો હતો, જ્યાં મહિલા સ્નાતકોની સંખ્યા પુરુષોની સંખ્યા સાથે તુલનાત્મક હતી. હકીકતમાં મેડલ વિજેતાઓમાં મોટાભાગની મહિલાઓ હતી. પરંતુ કમનસીબે તેમાંના મોટા ભાગની મહિલાઓ વકીલાતમાં આવવા ઇચ્છુક ન હતી. તેમની પ્રાથમિકતા કાયદાકીય સંસ્થાઓ, નાગરિક સેવાઓ વગેરેબી સેવા માટેની હતી.

જસ્ટિસ રમણાએ કહ્યું હતું કે, આપણી નીચલી અદાલતોમાં સરેરાશ માત્ર ૩૦% મહિલા જજ છે. કેટલાક રાજ્યોમાં મહિલા ન્યાયાધીશોની સારી સંખ્યા છે, જ્યારે અન્ય રાજ્યોમાં પ્રતિનિધિત્વ અત્યંત ઓછું છે. હાઈકોર્ટમાં મહિલાઓની ટકાવારી ઓછી છે, ન્યાયાધીશો માત્ર  ૧૧.૫% છે. સુપ્રીમ કોર્ટમાં અમારી પાસે ૩૩ માંથી ૪ મહિલા જજ છે, જે ઓફિસમાં છે. દેશમાં મહિલા વકીલોની સ્થિતિ વધુ સારી નથી. નોંધાયેલા ૧૭ લાખ વકીલોમાંથી માત્ર ૧૫% મહિલાઓ છે.

તેમણે કહ્યું હતું કે, કાયદામાં સ્નાતક થયા પછી મહિલાઓ માટે વકીલાતની પ્રેક્ટિસ કરવા અનેક પડકારો હોય છે. જેમાં સામાજિક દબાણો ઉપરાંત ન્યાયિક માળખાકીય સુવિધાઓનો અભાવ પણ તેમને કોર્ટ સંકુલમાં જવા માટે અવરોધરૂપ સાબિત થાય છે.  નાના કોર્ટરૂમ કે જે ગીચ હોય છે, આરામ રૂમની ગેરહાજરી, બાળ સંભાળ સુવિધાઓબો અભાવ વગેરે મહિલાઓ માટે અવરોધ સાબિત થાય છે. દેશની લગભગ ૨૨% અદાલતોમાં શૌચાલયની સુવિધા નથી.

તેમણે અંતે કહ્યું હતું કે, આ તમામ મુદ્દાઓ એક દિવસમાં ઉકેલી શકાતા નથી. આ પ્રક્રિયા પૂર્ણ કરતા ઘણા વર્ષો લાગી શકે છે પરંતુ તે કરવાની જરૂર છે. એ વાતનો કોઈ ઇનકાર કરી શકાતો નથી કે દેશમાં ન્યાયાધીશો અને વકીલો તરીકે મહિલાઓના સમાવેશથી ન્યાય વિતરણમાં નોંધપાત્ર સુધારો થશે. મહિલાઓ કાયદામાં એક અલગ પરિપ્રેક્ષ્ય લાવી શકે છે જે કાનૂની ક્ષેત્રને સમૃદ્ધ બનાવશે. તેમણે કહ્યું હતું કે, મહિલા વકીલોને ખાતરી આપતાં કહ્યું કે જો તેઓ ન્યાયતંત્રમાં કામકાજની સ્થિતિ સુધારવા માટે તેમનો અવાજ ઉઠાવશે તો તેઓ તેમનું સમર્થન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.