જિલ્લા કલેકટર પ્રભાવ જોશીના અધ્યક્ષ સ્થાને નશામૂકિત અભિયાન કમિટીની બેઠક મળી
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાનની કમિટીની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આગામી માસથી શરૂ થનાર કાર્યક્રમ અને અભિયાન અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો. જેને મંજૂરી આપી કલેકટરએ સોશિયલ મીડિયા દ્વારા પણ નશામુક્તિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.
રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓના સહયોગથી 110 જેટલા સ્વયંસેવકો અભિયાન માટે નિમણૂક પામેલ છે. કલેક્ટરે સ્વયંસેવકોને અદ્યતન તાલીમ આપવા તેમજ નશામુક્ત થનાર લોકોની સફળતાને પ્રસિધ્ધ કરવા અને જિલ્લામાં ચાલતા સપોર્ટ ગૃપ વિશે વધુ પ્રચાર કરવા સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નશા મુક્તિ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખાસ ફરતા રથ દ્વારા લોકોને નશાથી થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કઠપૂતળીના ખેલ દેખાડીને અને અન્ય કાર્યક્રમ દ્વારા લોકોને નશાથી દૂર રહેવા માટે સમજાવવામાં આવ્યા છે. હાલ ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ તથા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જોડાણ સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્માકુમારી અંજુબહેનએ જણાવ્યું હતું કે,છેલ્લા 41 દિવસમાં 367 શાળાઓમાં અભિયાન ચલાવી 78000 જેટલા બાળકોને જાગૃત કરવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લામાં આ માટે ખાસ 20 કેન્દ્રો પણ ચાલે છે અને આગામી સમયમાં કારખાના ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવી વર્ગને ખાસ મળી તેના માટે કાર્યક્રમ ચલાવી તેમને વ્યસન મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. 15 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પચાસ હજારથી વધુ લોકોને નશામુક્ત થવાના દૃઢ સંકલ્પ કરાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમજ વ્યસનમુક્ત થયેલ લોકોનું સન્માન કરવામાં આવશે.
આ બેઠકમાં ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડી.એલ.એસ.એ. જજ , મહિલા અને બાળ કલ્યાણ અધિકારી અવની દવે, એ.એસ.ડબલ્યુ શિવાલી લાબા, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન શેરસીયા, શિક્ષણ, આરોગ્ય વગેરેના વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.