પાક નિષ્ફળ જતા આવક ઘટી ભાવ રૂા.501 સુધી બોલાયા
ગત ચોમાસા દરમિયાન સતત પડેલા વરસાદને લઈને સૌરાષ્ટ્રભરમાં ડુંગળીનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો જેના કારણે આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ઓછી આવક જોવા મળી રહી હોવાનું યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા એક જ દિવસમાં ડુંગળીના 55 હજાર કટ્ટાની આવકો થઈ હતી જે ગત વર્ષના પ્રમાણમાં 50 ટકા જેવી ઓછી ગણી શકાય તેમ છે.
સામાન્ય રીતે દર વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થતી હોય છે. અને અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતું આ વર્ષે ચોમાસા દરમિયાન સતત પડેલા વરસાદને લઈને મોટા ભાગના ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ જવા પામ્યો હતો.જેમને કારણે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી ચોમાસું ડુંગળીની આવક સાથે યાર્ડમાં ડુંગળીની 55 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.આ સાથે જ યાર્ડમા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 101/-થી લઈને 501/-સુધીના બોલાયા હતાં.
હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી,કપાસ,મરચા,લશણ,ડુંગળી સહિતની જણસીઓની વ્યાપક પ્રમાણમાં આવકો થઈ રહી છે.ત્યારે હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ કમૌસમી વરસાદની આગાહીને પગલે ગોંડલ માર્કેટ યાર્ડ સત્તાધીશોએ યાર્ડમાં ત્રણ દિવસ માટે વિવિધ જણસીઓ યાર્ડમાં વેંચાણ અર્થે ન લાવવાની પણ ખેડૂતોને અપીલ કરી છે.