રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોસીએશનની રજુઆત બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોસીએશન દ્વારા બે દિવસ પહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણસચિવ વિનોદ રાવને રજુઆત કરીને ધો.૧૨ સાયન્સની નવી પરીક્ષા પઘ્ધતિનાં કારણે ગુજરાતનાં વિદ્યાર્થીઓને મોટો અન્યાય થતો હોય અને ગુજરાત બોર્ડ તથા સીબીએસઈનાં પરીણામ વચ્ચેનું અંતર વધવાની ભીતિ વ્યકત કરવામાં આવી હતી અને જેનું સુચન ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્વિકારી લેવામાં આવ્યું હતું અને હવેથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૫૦ ટકા એમસીકયુ અને ૫૦ ટકા થીયરી પ્રકારનાં પ્રશ્ર્નો પુછવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જારી કરેલા પરીપત્રમાં જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા પઘ્ધતિ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલી છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પઘ્ધતિ અંગે વાલીઓ દ્વારા મળેલી રજુઆતો સંબંધે સરકાર દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ-૨૦૧૯ની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦ માર્કસનાં એમસીકયુ અને ૫૦ માર્કસની થીયરી પ્રકારનાં પ્રશ્ર્નો પ્રમાણે પરીક્ષા પઘ્ધતિનો અમલ કરવાનો રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૨૦માં લેવાનારી પરીક્ષામાં ૫૦ ટકા વૈકલ્પિક પ્રશ્ર્નો અને ૫૦ ટકા થીયરી પ્રકારનાં પ્રશ્ર્નો પુછવામાં આવશે. શિક્ષણ બોર્ડનાં આ નિર્ણયથી સાયન્સનાં વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓને રાહત મળી શકશે તેવા સંકેતો મળી રહ્યા છે.