વલસાડનાં કલવાડ ગામમાં એમ્બ્યુલન્સ ખરીદવાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં લોકોએ ૧૦,૨૦૦ અને ૫૦૦ની નોટોનો વરસાદ વરસાવ્યો
મોરનાં ઈંડા ચિતરવા ન પડે તે ઉક્તિ મુજબ જાણીતા સ્વ.લોકસાહિત્યકાર ઈસરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવીનાં લોકડાયરામાં ભજનનાં શોખીનોએ રીતસર નોટોનો વરસાદ વરસાવતા એક જ રાત્રીમાં રૂ.૫૦ લાખની ઘોર થઈ હતી.
તાજેતરમાં વલસાડ જિલ્લાનાં કલવાડા ગામ સમસ્ત દ્વારા ગામ સમુહ માટે એમ્બ્યુલન્સ વસાવવા તેમજ અન્ય સુવિધાઓ વિકસાવવા માટે ઉભરતા લોકગાયક બ્રિજરાજદાન ગઢવી અને ગીતા રબારીનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં દાતાઓ અને ભજનના રસિયાઓ ઝુમી ઉઠયા હતા અને બ્રિજરાજદાન ગઢવીનાં ભજન ઉપર રૂ.૧૦, રૂ.૨૦૦ અને રૂ.૫૦૦ની નોટોનો વરસાદ વરસાવ્યો હતો.
લોકડાયરાનું આયોજન કરનાર કલવાડ ગામના સરપંચ આશિષ પટેલે જણાવ્યું હતું કે, ગામ સમસ્તનાં કલ્યાણ માટે યોજાયેલ આ લોકડાયરામાં પધારેલા મહેમાનોએ ઉદાર હાથે ફાળો આપવા ભજનીક બ્રિજરાજદાન ગઢવીના ભજન ઉપર આફરીન પોકારી નવી કડકડતી ૧૦,૨૦૦ અને ૫૦૦ની નોટોનો છોળો ઉછાળી અંદાજે રૂ.૫૦ લાખ જેટલી ઘોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નોટબંધી સમયે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં યોજાયેલ લોકડાયરાઓમાં ભજનનાં શોખીનોએ રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ની કરોડો રૂપિયાની નોટો ઉછળતા ડાયરામાં થતી ઘોરનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com