સૌરાષ્ટ્ર-ગુજરાતના ધરતીપુત્રોને ઉજળે મોઢે સમૃધ્ધ બનાવતા સફેદ સોનુ કપાસની ખેતીને સમૃધ્ધ બનાવવા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ટેક્ષટાઈલ્સ કલસ્ટરની આવશ્યકતા પર ખાસ ધ્યાન આપવું જરૂરી, રાજકોટથી અમદાવાદ વચ્ચે કોટન ટેક્ષટાઈલ્સ કલસ્ટર માટે આશીર્વાદરૂપ બની શકે છે
દિ’વાળે ઈ દિકરા… કાં ધોરીને ધરા, કાં વણના ઝીંઝવા, નહીં તો પુરબીયા તો ખરા જ… કૃષિ પ્રદાન ભારતના આર્થિક-સામાજીક આધાર તરીકે ખેડ-ખેતર ને પાણી ગણવામાં આવે છે ત્યારે કૃષિ અને ખેડૂતોના વિકાસની વિપુલ તકોમાં અને દુ:ખના દિવસો દૂર કરવા માટે કપાસની ખેતીને મહત્વ આપવામાં આવ્યું છે. ગમે તેવી ગરીબી ભોગવતા ખેડૂતને સમૃધ્ધ બનાવવાની ક્ષમતા ખેતી પ્રવૃતિ અને કપાસ ને તલ જેવા તેલીબીયામાં રહેલી છે. ત્યારે આ વર્ષે સફેદ સોનુ ગણાતા કપાસના ખેડૂતો માટે હજુ વિણી ચાલુ છે ત્યાં જ લાભના વાવડ આવ્યા હોય તેમ ભારતના કપાસની નિકાસમાં ૪૦ ટકાની વૃદ્ધિ સાથે ૭ વર્ષનો વિક્રમ સર્જાશે.
૨૦૨૦-૨૧ના વર્ષ માટે અગાઉના વર્ષોની સરખામણીએ કપાસની નિકાસ ૪૦ ટકા જેટલી ઉંચી થવા જઈ રહી છે. ભારતના કપાસની ગુણવત્તા અને વ્યાજબી ભાવના કારણે કપાસ આયાતકાર દેશ માટે ભારતના કપાસ પ્રથમ પસંદગીનો વિષય બની જાય છે.
ભારતના કપાસની માંગ અને આયાત કરતા દેશોમાં ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા એશિયનના દેશો ઉપરાંત અમેરિકા અને બ્રાઝીલ જેવા દેશો પણ ભારતની કપાસ મોટાપાયે ખરીદદાર છે. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક રીતે કપાસના વધતી જતી માંગને કારણે નિકાસમાં વેગ આવશે. પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ભારતના કપાસની ૭૦ લાખ જેટલી ગાસડીઓનો ઓર્ડર મળવા પામ્યો છે. સામાન્ય રીતે ૫૦ લાખ ગાસડીઓના બદલે આ વખતે ૭૦ લાખ ગાસડીની નિકાસ થશે. ભારતીય કપાસ વિશ્ર્વના ૭૭ સેન્ટમાં બ્રાઝીલ અને અમેરિકાના ભાવ સામે ૭૪ સેન્ટના ભાવની ઓફરને લઈને ખરીદદારો માટે વધુ પસંદગીનું પાત્ર બની ગયું છે. ચીન, બાંગ્લાદેશ તરફ માલ મોકલનારા ડીડી કોટનના અરૂણ શકસેનાએ જણાવ્યું હતું કે, ભારતની આ વખતની નિકાસ ૭ વર્ષમાં સૌથી વધુ નિકાસ બનશે. ઓકટોબર મહિનામાં ૭ લાખ ગાસડીની નિકાસ થઈ છે અને વધુ ૧૦ લાખ ગાસડીઓ નવેમ્બર મહિનામાં મુંબઈથી ક્ધટેનર મારફત રવાના થશે. કપાસના નિકાસકારોએ વાણીજય મંત્રાલયને નિકાસની મર્યાદા વધારવા વિનંતી કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કપાસને સફેદ સોનુ ગણવામાં આવે છે. કપાસની ખેતી ખેડૂતોની સાથે સાથે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પાયાની ભૂમિકા ભજવે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કપાસની ખેતી થાય છે. સૌરાષ્ટ્રમાં કપાસની ગુણવત્તા ભેજ શોષવાની ક્ષમતા ઉત્તમ પ્રકારના સુતરનું નિર્માણ કરવા માટે સૌરાષ્ટ્રનો કપાસ આદર્શ માનવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રની ખેતી અને સમગ્ર પંથકને વધુ સમૃધ્ધ બનાવવા માટે પરિવહન અને જીનીંગ ટેક્ષટાઈલ્સ કલસ્ટર બનાવવા માટેની ખાસ જરૂરીયાત છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ઉપજતા કપાસને પ્રોસેસીંગ માટે તામિલનાડુ જેવા દુર-સુદુરના વિસ્તારોમાં મોકલવાની ફરજ પડે છે. ત્યારે કાપડ ઉદ્યોગ અને એક જમાનાના માનચેસ્ટર ગણાતા અમદાવાદ અને સૌરાષ્ટ્રના કપાસની ખેતીના ઘર જેવા પ્રદેશ વચ્ચે રાજકોટ-અમદાવાદ વચ્ચે ક્યાંક જો કોટન ટેક્ષટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ કલસ્ટર ઈન્ડસ્ટ્રી બનાવવા માટે તો કપાસની ખેતી અને ટેક્ષટાઈલ્સ ઉદ્યોગને વૈશ્ર્વિક સ્તર પર વિકાસ માટે તક મળી રહે. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટ અને અર્થતંત્રને ૫ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે જ્યારે ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી માટે વિપુલ તકો રહેલી છે. અહીં કપાસનું ઉત્પાદન પણ સારૂ થાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં કપાસ આધારીત ટેક્ષટાઈલ્સ ઉદ્યોગ માટે એક ખાસ કલસ્ટર બનાવવાની દિશામાં ધ્યાન આપવાની જરૂર છે.