આજ રોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ” કમલમ ખાતે” આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાયા છે. સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સહુને આવકાર્યા અને ભાજપાનો ખેસ પેહરાવી સ્વાગત કર્યું. આ પ્રસંગે સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું કે, બટુકભાઇ વાડદોરીયા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે.
આપણે સહુ સાથે મળી ગુજરાત અને દેશની પ્રગતી માટે કાર્યો કરીશું તેમાં સહભાગી થવા આપ સર્વેનું સ્વાગત છે, કેટલાક લોકો ગેરસમજ ફેલાવવાનું કાર્ય કરી, પોતાની પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફક્ત રાજકારણ કરવા માંગે છે, આમ આદમી પાર્ટીને ગુજરાત કે દેશહિત સાથે કોઈ લેવાદેવા નથી.
બટુકભાઈ વાડદોરીયાએ જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી એ હવે ” આમ આદમી પાર્ટી નથી ચાર આદમી પાર્ટી છે”, અમુક નિષ્ઠા વગરના અને ચારિત્ર્ય હિન લોકો આવી જતાં તેમનું મનસ્વી વર્તન, ગેરવર્તન અને અમારું સ્વમાન જળવાતું ન હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોનો ખોટી રીતે વિરોધ કરવાનું કહેવામા આવતું હતું. તે અમને મગજમાં ખૂંચતું હતું.
અંતમાં વાડદોરીયાએ જણાવ્યુ હતું કે, આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહીં ખૂલે કારણ કે, અમો આપમાં એટલા માટે જોડાયા હતા કે, લોકોને અન્યાય થાય છે તેને મદદ કરી શકીએ પરંતુ આપ પાર્ટીમાં કાર્યકરોને જ અન્યાય થાય છે. આજે અમો આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયા છીએ જેનો અમોને આનંદ છે. ભાજપમાં ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશું અને ભાજપના સૈનિક બનવા બદલ શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ.સી.આર.પાટીલ સાહેબ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ એમ.એસ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી, પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, સુરત જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી સંદીપભાઈ દેસાઇ, ધારાસભ્યઓ મુકેશભાઇ પટેલ, મોહનભાઇ ડોડીયા, સુરતના જીલ્લા પ્રભારીભરતભાઇ રાઠોડ પ્રદેશ સહ-પ્રવકતા ભરતભાઇ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.