કોરોનાના સંક્રમણથી બચવા લોકડાઉનની સમાપ્તી ચાર દિવસમાં થતી હોય લોકો વિવિધ પ્રશ્ર્ને ચિંતિત
દેશમાં લોકડાઉનને લંબાવવું કે નહીં તે અંગે ‘અબતક’ દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પોલ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ પોલમાં હજ્જારો લોકોએ ભાગ લીધો છે. પોલમાં સરેરાશ ૮૩ ટકા લોકોએ લોકડાઉનને લંબાવવું જોઈએ તેમ કહ્યું છે. અન્ય ૧૭ ટકા લોકો એવું માને છે કે, હવે લોકડાઉન વધુ લંબાવવું જોઈએ નહીં. લોકડાઉન અંગે ‘અબતક’ મીડિયા દ્વારા થયેલા પોલમાં લોકો દ્વારા કોમેન્ટમાં વિવિધ સુચનો પણ આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન હવે ગણતરીના દિવસોમાં પૂરું થશે. અલબત લોકડાઉન દરમિયાન પણ કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થવાના કારણે લોકડાઉન વધુ સમય માટે લંબાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યો છે. અલબત લોકો લોકડાઉન લંબાવવા અંગે શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને હેલ્લો સહિતના જાણીતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં પોલ શરૂ થયો હતો. આ પોલમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો અને પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતા. મોટાભાગના લોકોએ ‘અબતક’ થકી લોકડાઉનને વધારવાનો સંદેશો તંત્રને પહોંચાડ્યો હતો.
‘અબતક’ સાથે સંકળાયેલા અનેક લોકોએ લોકડાઉનને તબક્કાવાર પૂરું કરવું જોઈએ તેવો મત પણ વ્યકત કર્યો હતો. કેટલાક લોકોએ કહ્યું હતું કે, જે વિસ્તારમાં વધુ કેસ આવ્યા છે તે વિસ્તારને બંધ કરવો જોઈએ. વર્તમાન સમયે લોકડાઉનમાં વિચિત્ર હાસ્યાસ્પદ બહાના કાઢી પણ લોકો લટારો મારવા માટે નીકળતા હોવાનો આક્રોશ પણ લોકોએ ‘અબતક’ના સોશ્યલ મીડિયા પેઈજ પર વ્યકત કર્યો હતો. અમુક લોકોનું કહેવું હતું કે, લોકડાઉન ૨ થી ૩ દિવસ પૂરતું ખોલી ત્યારબાદ ફરીથી અમલ કરાવવો જોઈએ. રાજકોટ સહિતના કેટલાક શહેરોમાં બપોરે ૩ કલાક સુધી બજાર ખુલ્લી રાખવાની છુટ આપીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે કડક અમલવારી કરાવવી જોઈએ તેવી હિમાયત પણ થઈ હતી. એકંદરે મોટાભાગના લોકોએ લોકડાઉનને અસરકારક ગણાવ્યું હતું. એક યા બીજી રીતે લોકડાઉનની અમલવારી થવી જોઈએ તેવી ઈચ્છા વ્યકત કરી હતી.
- ફેસબૂકમાં લોકડાઉન મુદ્દે લોકોના પ્રતિભાવો
- ચેતન શેઠ : લોકડાઉન વધારવું જોઈએ પરંતુ જ્યાં એક પણ કેસ નથી નોંધાયા ત્યાં રેસ્ટોરન્ટ, હેર સલુન, ઈલેકટ્રીસીયન શોપ સહિતની દુકાનો પણ શરૂ રાખવી જોઈએ
- પ્રફુલ કામાણી: સંક્રમણને રોકવા લોકડાઉન લંબાવવું જ એક માત્ર વિકલ્પ
- દર્શન ઓઝા: સરકારે પરિસ્થિતિને ખુબજ કુનેહથી કાબુમાં લેવી જોઈએ, હવે લોકડાઉનની જરૂ ર નથી, સ્થિતિને સંભાળવા અન્ય રસ્તા પણ છે.
- બંસી વસંત: દેશના હિતમાં લઘુતમ ૨ અઠવાડિયાનું લોકડાઉન તો લંબાવવું જ જોઈએ
- ચેતન મહેતા: લોકડાઉનને મર્યાદિત રીતે હટાવવું જરૂ રી છે
- અર્પિત મહેતા: હા, લોકડાઉન આગામી ૧૪ દિવસ વધુ લંબાવવું જોઈએ
- મહેશ પરમાર: ૨ થી ૪ દિવસ રાહત આપવી જોઈએ, ત્યારબાદ લંબાવવામાં કોઈ વાંધો નથી
- કૌશિક ધ્રુવ: હા, પણ વચ્ચે ત્રણ દિવસની છુટ આપે તો સારૂ
- દિપક કનૈયા: હા જરૂરી છે અને હવે કડક અમલવારી સાથે કરવામાં આવે તો મહામારીથી જીવ બચે
- જીતેન્દ્ર અદાણી: પ્લાનીંગ કરી આંશિક રીતે લોકડાઉન ખોલવું જોઈએ, જે વિસ્તારમાંથી દર્દી મળ્યા છે તે વિસ્તાર સજ્જડ બંધ કરવા જોઈએ