“રૂપાણીની મથામણ પરિણામ આપશે”

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી તંત્રમાં કોઇપણ સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ડામવા ‘યુદ્ધ’ જાહેર કર્યું છે પરંતુ સ્ટાફના અભાવથી પીડાતા ભ્રષ્ટાચાર વિરોધી તંત્રો કેવી રીતે કામગીરી કરી શકશે તેવો વિપક્ષોનો આક્ષેપ

રાજયનાં લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારનો વહીવટ ભ્રષ્ટાચાર મુકત પારદર્શક બનાવવા સતત કાર્યશીલ રહે છે. તાજેતરમાં રૂપાણીએ કોઈપણ સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને સાંખી નહી લેવાય તેમ જણાવીને ભ્રષ્ટાચાર સામે ખાસ ઝુંબેશ છેડવાની જાહેરાત કરી છે. પરંતુ રાજયમા ભ્રષ્ટાચાર પકડી પાડવાની મુખ્ય કામગીરી જેની છે તે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ૪૦ ટકા સ્ટાફની ખાધ હોવાનું જયારે ભ્રષ્ટાચાર અંગેની જયાં ફરિયાદ થઈ શકે તે લોકાયુકત અને વિજીલન્સ કમિશ્નરની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાનું ખૂલવા પામ્યું છે. જેથી રૂપાણીની ભ્રષ્ટાચાર ડામવાની આ મથામણ પરિણામ આપશે કે કેમ? તે અંગે પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામ્યા છે. રાજય સરકારના કોઈપણ તંત્રમાં થતા ભ્રષ્ટ્રાચારને પકડી પાડવા માટે ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળ બનાવવામાં આવ્યું છે. એસીબીનાં ટુંકાનામે ઓળખાતા આ દળમાં પોલીસ તંત્રમાંથી સ્ટાફને ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે. એસીબીમાં મંજૂર થયેલા સ્ટાફ કરતા હાલમાં ૬૦ ટકા જેટલો સ્ટાફ કાર્યરત છે. જેથી ૪૦ ટકા ઓછા સ્ટાફ સાથે એસીબી કેવી રીતે કાર્યક્ષમ કામગીરી બજાવી શકે તેવા પ્રશ્ર્નાર્થો ઉભા થવા પામ્યા છે. એસીબીની ગમે તે કચેરીમાં ગમે તે જિલ્લાનાં ભ્રષ્ટાચારી બાબુઓની ફરિયાદ થઈ શકે છે. ઉપરાંત, આવી ફરિયાદ મળ્યા બાદ એસીબી સ્ટાફ તેની યોગ્યતાની ચકાસણી કર્યા બાદ ટ્રેપ ગોઠવે છે. ભ્રષ્ટાચારીઓને પખડવાની આ સમગ્ર પ્રક્રિયા લાંબી અને ધીરજપૂર્ણ હોય પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે.

ઉપરાંત ટ્રેપમાં ઝડપાયેલા બાબુઓને ગુન્હેગાર સાબિત કરવા ન્યાયતંત્રમાં પણ લાંબી પ્રક્રિયા કરવી પડે છે. જેથી એસીબીમાં પૂરતો સ્ટાફ મૂકવા સમયાંતરે માંગ થતી રહે છે. જોકે આટલા ઓછા સ્ટાફ વચ્ચે પણ રાજયનું એસીબી તંત્ર સારી કામગીરી બજાવી રહ્યું છે.

admin 2

રાજયના કોઈપણ સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની સીધી ફરિયાદ જયાં થઈ શકે તેવા રાજયનાં વિજીલન્સ વિભાગમાં પણ સ્ટાફની વર્ષોથી તંગી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. રાજયનાં વિજીલન્સ વિભાગમાં થયેલી ફરિયાદની તપાસ વિજીલન્સ સ્ટાફ કરીને ગેરરીતિ જણાય તો એસીબીને ફરિયાદ દાખલ કરવા હુકમ કરી શકે છે. સ્વાયત્ત ઓથોરીટી એવી રાજયના વિજીલન્સ કમિશનમાં છેલ્લા ઘણા સમયથી કાયમી વિજીલન્સ કમિશનરની રચના કરવામાં આવી નથી હાલમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંગ પાસે વિજીલન્સ કમિશનરનો ચાર્જ છે. વિજીલન્સ કમિશ્નરે ઈન્ચાર્જ હોય કમિશનની નિયમિત કાર્યવાહી પર ઝીણવટપૂર્ણ દેખરેખ રાખી શકતા ન હોય વિજીલન્સ કમિશનની કામગીરી પણ ખોરંભાઈ ગયાના આક્ષેપો થઈ રહ્યા છે.

ઉપરાંત રાજયનાં લોકાયુકતની જગ્યા પણ એક વર્ષથી ખાલી છે. રાજયનાં પ્રથમ લોકાયુકત એવા નિવૃત્ત જજ ડી.પી. બુચનો કાર્યકાળ ડીસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થયા બાદ રાજય સરકારે નવા લોકાયુકતની નિમણુંક કરી નથી લોકાયુકત સમક્ષ રાજય સરકારના તંત્રમાં કોઈપણ પ્રકારનાં ભ્રષ્ટાચાર ઉપરાંત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંસદીય સચિવો, સરકારના વિવિધ બોર્ડો, સંસ્થાઓનાં ચેરમેનો, ઉપચેરમેનો, ડીરેકટરો, યુનિવર્સિટીઓનાં વા. ચાન્સેલરો વગેરે સામે પણ ગેરરીતિ અંગેની ફરિયાદ થઈ શકે છે. જેથી ઉચ્ચકક્ષાએ થતા ભ્રષ્ટાચારને ડામવામાં લોકાયુકતની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકાયુકત કચેરીનો સ્ટાફ કોઈપણ ગેરરીતિ અંગેની ફરિયાદો મળ્યા બાદ જાત તપાસ કરીને કડક કાર્યવાહી કરી શકે છે. આમ, મુખ્યમંત્રી રૂપાણી ભ્રષ્ટાચારને ડામવા મથામણ કરી રહ્યા છે. પરંતુ સ્ટાફની અછતના કારણે તંત્ર પાગળુ હોવાનો આક્ષેપો વિપક્ષો દ્વારા થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.