24 મહિનામાં આ નવી કોલેજોને કાર્યરત કરી દેવાશે : દેશમાં કુલ 157 સરકારી કોલેજોને માન્યતા આપતું આરોગ્ય મંત્રાલય
દેશમાં કુલ 157 સરકારી નર્સિંગ કોલેજોને આરોગ્ય મંત્રાલયે માન્યતા આપી છે. જેમાં ગુજરાતમાં વધુ 5 નવી નર્સિંગ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 24 મહિનામાં આ નવી કોલેજોને કાર્યરત કરી દેવાશે.
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજ ખોલવાના પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી દીધી. બુધવારે આયોજિત કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોના મંત્રીમંડળ સમિતિની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા છે. અમે આગામી 24 મહિનામાં ગુજરાતમાં નવી 5 સહિત દેશભરમાં 157 સરકારી નર્સિંગ કોલેજો શરૂ કરીને દેશને સમર્પિત કરીશું. રૂ. 1,570 કરોડ પણ મંજૂર કરાયા છે.
આ નિર્ણયનો હેતુ દેશમાં નર્સિંગ ક્ષેત્રના નિષ્ણાતોની સંખ્યા વધારવાની સાથે ગુણવત્તાયુક્ત નર્સિંગ શિક્ષણ આપવાનો છે. હવે દેશમાં જ્યાં પણ મેડિકલ કોલેજ છે ત્યાં રૂ. 10 કરોડના સહકારથી એક નર્સિંગ કોલેજ બનાવાશે. મેડિકલ ડિવાઈસ ક્ષેત્રની વાત કરતા માંડવિયાએ કહ્યું કે દેશમાં મેડિકલ ડિવાઈસની માગ પહેલાં કરતાં અનેકગણી વધી છે.
હાલ દેશભરમાં કુલ 5,324 નર્સિંગ કોલેજ છે, જેમાં આગામી 24 મહિનામાં 157 નવી કોલેજ અને વિદ્યાર્થીઓ માટે 16 હજાર નવી સ્નાતક બેઠકો પણ જોડાશે. તેના કારણે દેશમાં આરોગ્ય ક્ષેત્રે વધુ ગુણવત્તાયુક્ત નર્સિંગ સ્ટાફ મળી શકશે. નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં આ જાહેરાત કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, દેશ અને દુનિયામાં બીએસસી નર્સિંગ કરનારાઓની ડિમાન્ડ છે અને તેમને તુરંત નોકરી મળી જાય છે. આ નિર્ણયથી દેશ અને દુનિયાની જરુરીયાત પુરી થઈ શકશે. આજે ભારતીય નર્સિસ દુનિયાના કેટલાય દેશોમાં પોતાની સેવા આપી રહી છે.