ચાલુ વર્ષે 100 ’હરામી’ લોકોનો ખાત્મો બોલાવી દેવાયો: પોલીસ પ્રવકતા
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં 24 કલાકમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 ખુંખાર ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. તાજેતરમાં બે પોલીસ જવાનોની હત્યામાં સંડોવાયેલા લશ્કરે તોયબાના ત્રાસવાદી આદિલ પારેને પોલીસે એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.
કાશ્મીરના આઇજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર પોલીસના બે જવાનોની હત્યા અને નવ વર્ષની બાળકીને ઘાયલ કરનારા ગાંદરબલના લશ્કરે તોયબાના આતંકી આદિલ પારેને પોલીસની નાની ટુકડીએ એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. શ્રીનગરના ક્રિસબાલ પાલપોરા સંગમ એરિયામાં આ અથડામણ થઈ હતી. આ આતંકીના સફાયા સાથે છેલ્લાં 24 કલાકમાં ઠાર થયેલા આતંકીની સંખ્યા 5 થઈ છે. સુરક્ષા દળોએ ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 100 આતંકીને ઠાર કર્યા છે. શનિવારે કુલગામમાં એક અને પુલવામામાં બીજા એક આતંકીને ઠાર કરાયો હતો. રવિવારે પુલવામામાં એક અથડામણમાં બે આતંકી માર્યા ગયા હતા અને તેનાથી આ કાર્યવાહીમાં ઠાર થયેલા ત્રાસવાદીની સંખ્યા વધીને 3 થઈ હતી.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પુલવામાના દ્રાબગામમાં ત્રાસવાદી હોવાની બાતમીને આધારે શનિવારે આ વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળે આગળ વધી રહ્યાં હતા ત્યારે ત્યાં છુપાયેલા ત્રણ આતંકીએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કર્યું હતું. તેનાથી સુરક્ષા દળોએ વળતી કાર્યવાહી કરે એકને ઠાર કર્યો હતો. આ અથડામણમાં પ્રતિબંધિત સંગઠન લશ્કરે તોયબાના ત્રણ ત્રાસવાદી માર્યા ગયા હતા અને ઘટનાસ્થળેથી તેમના મૃતદેહો મળ્યા હતા. આ આતંકીઓની ઓળખ જુનૈદ અહમદ શીરગોજરી, ફઝિલ નાઝિર ભાટ અને ઇરફાન અહમદ મલિક તરીકે થઈ હતી. આ ત્રણેય પુલવામા જિલ્લાના નિવાસી હતા.
પોલીસ રેકોર્ડ મુજબ આ ત્રણેય આતંકી ત્રાસવાદી ગુનાઓના કેસોમાં સંડોવાયેલા સંગઠનોના સભ્યો હતો. તેમની સામે પોલીસ અને બીજા સુરક્ષા દળો તથા નાગરિકો સામે હુમલાના કેસો હતા. શીરગોજરી 13મેએ પોલીસ અધિકારી રેયાઝ અહમદની હત્યામાં સંડોવાયેલો હતો.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરના સ્થળોથી બે એકે-47 રાઇફલ અને એક પિસ્તોલ સહિત બીજો દારુગોળો મળી આવ્યો હતો. અગાઉ આઈજીપીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કાશ્મીરમાં 99 ત્રાસવાદીને ઠાર કરાયા છે અને પારેના મોત સાથે આ સંખ્યા 100એ પહોંચી છે.