- આવી કઈ શ્રદ્ધા?
- 265 વર્ષથી ચાલતી આ પરંપરા દર વર્ષે 5 લાખ પ્રાણીઓનો ભોગ લે છે: ભારતમાંથી 4200 ભેંસોની દેવાઈ બલી
શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. શ્રદ્ધાના નામે થતી ક્રૂરતા કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરી શકે ? ત્યારે તાજેતરમાં બનેલી નેપાળની ઘટનાએ વિશ્વભરમાં અરેરાટી સર્જી છે. અંધશ્રદ્ધા કેવી હોનારત સર્જી શકે તેનું ઉદાહરણ હિન્દુરાષ્ટ્ર નેપાળમાં 2 દિવસીય ઉત્સવ છે. જેમાં લાખો પ્રાણીઓની શ્રદ્ધાના નામે બલી ચડાવવામાં આવે છે. નેપાળમાં આવેલ ગધીમાઈ મંદિરમાં માતાજીને પ્રસન્ન કરવા તેમજ માનેલી માનતાઓ પુરી કરવા લોકો પશુઓની બલી આપે છે.
નેપાળમાં આવેલ ગધીમાઈ મંદિરમાં દર ચાર વર્ષે યોજાતા મેળામાં પ્રાણીઓની સામૂહિક બલી ચડાવવામાં આવે છે. આ ઉત્સવનું આયોજન શક્તિની દેવી ગાધીમાઈના માનમાં કરવામાં આવે છે. તેમાં નેપાળ તેમજ ભારતના લાખો લોકો ભાગ લે છે. આ મેળામાં હજારો પશુઓની બલિ ચઢાવવામાં આવે છે. માત્ર બે દિવસ ચાલેલા આ મેળા પછી ગધીમાળ વિશ્વનું સૌથી મોટું કતલખાનું બની ગયું.
નેપાળના આ ગધીમાઈ ઉત્સવમાં થતા સામૂહિક પશુ બલિદાનને રોકવા માટે ભારતના સરહદ રક્ષક દળ, સશસ્ત્ર સીમા બલ અને બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્રએ ખડેપગે રહીને જહેમત ઉઠાવી હતી. આના પરિણામે આ અઠવાડિયાની શરૂઆતમાં ભેંસ અને બકરા સહિત 750થી વધુ પ્રાણીઓના કતલ થવાથી બચાવી શકાયા છે. તેમ છતાં, 8-9 ડિસેમ્બર માત્ર બે દિવસમાં ગધીમાઈ મંદિરમાં 4,200 ભેંસોની બલી દેવામાં આવી છે.
સામૂહિક બલિદાન માટે જતા પહેલા બચાવી લેવામાં આવેલી 74 ભેંસો સહિત લગભગ 400 જેટલા બચાવેલા પ્રાણીઓને, ગુજરાતના જામનગરમાં રિલાયન્સ જૂથના વન્યજીવન અને પુનર્વસવાટ કેન્દ્ર વંતારા ખાતે લઈ જવામાં આવ્યા છે. આ પ્રકારની પ્રથમ બચાવ કામગીરી એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) અને પીપલ ફોર એનિમલ્સ (PFA) અને હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ/ઈન્ડિયા (ઇંજઈં/ઈંક્ષમશફ) જેવા પ્રાણી કલ્યાણ જૂથોના સહયોગથી શક્ય બન્યું હતું. તેમના સ્વયંસેવકોએ જિલ્લા વહીવટીતંત્ર સાથે કાર્યવાહી કરીને 8-9 ડિસેમ્બરના રોજ બે દિવસ ચાલનારા સામૂહિક બલિદાન પહેલા નેપાળમાં સેંકડો ભેંસ, બકરા, કબૂતર અને મરઘીઓના ગેરકાયદેસર પરિવહનને અટકાવ્યું હતું.
આ વર્ષે બલિદાન આપવામાં આવેલા પ્રાણીઓની સંખ્યા વિશે જણાવ્યું હતું કે, “ચોક્કસ સંખ્યા નક્કી કરવી પડકારજનક છે, જો કે, એવો અંદાજ છે કે તે સમયગાળા દરમિયાન 2.5 થી 5 લાખ પ્રાણીઓનું બલિદાન આપવામાં આવ્યું હતું, જેમાં 4,200 ભેંસોનો સમાવેશ થાય છે, જે મંદિર સમિતિની રસીદોના આધારે છે.
હાલ આ પ્રાણીઓને વંતારા ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં પ્રાણીઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવશે. એડબલ્યુબીઆઈએ ઓક્ટોબરમાં બિહાર અને યુપી બંનેના પોલીસ વડાઓને પત્ર લખીને તહેવાર પહેલા પ્રાણીઓના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે કહ્યું હતું. એડબલ્યુબીઆઈ બોર્ડના સભ્ય, ગિરીશ જે શાહે પણ પ્રાણીઓને બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે ઝુંબેશનું સંકલન કર્યું હતું.
ગાધીમાઈ ઉત્સવ, જેની ઉત્પત્તિ લગભગ 265 વર્ષ પહેલાંની છે, જેમાં લાખો પ્રાણીઓની વિધિવત બલી ચડાવીને એક મહિના સુધી ઉજવણી કરવામાં આવે છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે 2019 માં ગધીમાઈ ખાતે પ્રાણીઓના બલિદાનને રોકવાનો આદેશ આપ્યો હોવા છતાં પડોશી દેશ નેપાળ, અત્યાર સુધી, તેને નિયંત્રિત કરવામાં સફળ રહ્યો નથી.