જમ્મુમાં હરામી લોકોના હરામીવેળા
સીઆરપીએફની ટુકડી પેટ્રોલિંગ કરીને પરત ફરતી’તી અને આતંકીઓએ હુમલો કર્યો
જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પુંછ વચ્ચે આતંકવાદીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં 5 જવાન શહીદ થયા છે. ફાયરિંગ દરમિયાન ટ્રકમાં આગ લાગી ગઈ. આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હોવાની આશંકા છે.
સેનાએ કહ્યું છે કે, ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી હતી, જેનો ફાયદો ઉઠાવીને આતંકીઓએ ગોળીબાર કર્યો. શહીદ થયેલા પાંચ જવાનો આ વિસ્તારમાં આતંકવાદવિરોધી ઓપરેશન માટે તહેનાત હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય એક જવાનને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જે વિસ્તારમાં અકસ્માત થયો એ પુંછથી 90 કિલોમીટર દૂર છે. આર્મીની ટ્રકમાં આગ લાગવાની માહિતી મળતાં જ સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ વર્ષે 11 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા. ત્રણેય ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સૈનિક હતા. એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 2 અન્ય રેન્કની આ ટીમ નિયમિત કામગીરી માટે રવાના થઈ ગઈ હતી. બરફના કારણે તેમની ગાડી લપસીને ઊંડી ખાડીમાં પડી હતી.
ગત વર્ષે ડિસેમ્બરમાં સિક્કિમના જેમા ખાતે સેનાની એક ટ્રક ખાડીમાં પડી હતી, જેમાં 16 જવાનોનાં મોત થયાં હતાં. સેના પાસે વધુ બે વાન હતી. ત્રણેય વાહનો ચટનથી થંગૂ જવા નીકળ્યાં હતાં. રસ્તામાં એક વળાંક પર ટ્રક લપસીને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
ગત વર્ષે નવેમ્બરમાં પણ કુપવાડાના માછિલ વિસ્તારમાં ત્રણ જવાન હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 2 જવાનોને બરફ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જવાનોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં 3નાં મોત થઈ ચૂક્યાં હતાં.