કોરોનાએ ઉડ્ડયન ક્ષેત્રને વેન્ટીલેટર ઉપર મૂકી દેશે!!!
તાજેતરમાં ફરીથી શરૂ થયેલી વિમાની સેવાઓમાં મર્યાદીત મુસાફરોને હવાઈ યાત્રા કરવાની છુટથી એરલાઈન્સ કંપનીઓ પહેલીથી જ નુકસાનીનો સામનો કરી રહી છે
કોરોનાના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું હતુ આ લોકડાઉન દરમ્યાન ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને પ્રકારનાં વિમાની ઉડ્ડયનોને બંધ કરી દેવામાં આવ્યા હતા. વિમાની સેવા બે માસ સુધી બંધ રહેવાથી એરલાઈન્સ કંપનીઓને ભારે નુકશાની વેઠવી પડી હતી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક તકેદારીઓ સાથે ફરીથી વિમાની સેવા પૂર્વવત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી મર્યાદીત સીટો સાથે વિમાની સેવા શરૂ થઈ છે. ત્યાં વિમાનોમાં વપરાતા ઈંધણમાં ૪૮ ટકાનો વધારો આવ્યો છે. જેના કારણે પહેલેથી જ નુકશાનીમાં ચાલી રહેલો એરલાઈન્સ કંપનીઓ મૃત:પ્રાય સ્થિતિમાં મૂકાય જાય તેવી સંભાવના છે.
લોકડાઉનમાં બે માસ સુધી બંધ રહ્યા બાદ દેશમાં ફરીથી પહેલા ડોમેસ્ટીક અને હવે ઈન્ટરનેશનલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. પરંતુ હવાઈ યાત્રા દરમ્યાન કોરોના ફેલાય નહી તે માટે વચ્ચેની સીટો ખાલી રાખવાનાં કારણે મર્યાદીત મુસાફરો સાથે વિમાની સેવા શરૂ કરાય છે. તેમાં પણ કેન્દ્ર સરકારે વિવિધ હવાઈયાત્રાઓનું ભાવબાંધણું કરી આપ્યું છે. જેથી લોકડાઉનમાં આર્થિક નુકશાની વેઠનારી એરલાઈન્સ કંપનીઓ હાલમાં પણ નુકશાની સાથે વિમાની સેવાઓ ચલાવી રહી છે. તેમાં બાકી હોય તેમ વિમાનોમાં વપરાતા ઈંધણ એવિએશન ટર્બાઈન ફયુઅલ (એટીએફ)ની કિમંતમાં ગત મહિનાની સરખામણીમાં રૂા.૧૧ હજાર જેટલો વધારો થવા પામ્યો છે. જેના કારણે એવીએફની કિંમત પ્રતિ કિલોલીટર રૂા.૩૩,૫૭૫એ પહોચી જવા પામી છે.
પહેલા મર્યાદીત મુસાફરોના કારણે આર્થિક નુકશાની વેઠનારી એરલાઈન્સ કંપનીઓ પર એવીએફમાં ૪૮ ટકાનો અસહ્ય વધારાથી વધારે નુકશાની લાવનારો પૂરવાર થશે. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી એસ.એચ.પુરીએ ટવીટ કરીને જણાવ્યું હતુ કે ડોમેસ્ટીક ઉડ્ડયન શરૂ કરાયા બાદ ઉડેલા ૫૦૧ વિમાનોમાં ૪૪,૫૯૩ મુસાફરોએ હવાઈ યાત્રા કરી છે. જેથી કહી શકાય કે ૧૮૦ બેઠકો વાળા વિમાનમાં સરેરાશ ૧૦૦ મુસાફરોએ હવાઈ યાત્રા કરી છે.
મર્યાદીત મુસાફરોનો હવાઈ યાત્રાની છૂટ આપવાના કારણે પહેલેથી એરલાઈન્સ કંપનીઓને ૪૦ થી ૫૦ ટકાની નુકશાની વેઠવી પડે છે. તેમાં પણ મોટાભાગે મુસાફરો વન-વે હતા.
એટલે કે લોકડાઉનમાં જુદા જુદા શહેરોમાં ફસાયેલા લોકો તેમના શહેરમાં પરત ગયા હતા હવે વ્યવસાયીક હવાઈસેવાનો પ્રારંભ થનારો છે. ત્યારે ઈંધણમાં થયેલો ભાવ વધારો એરલાઈન્સ કંપનીઓ માટે વધારે નુકશાની આપનારો પૂરવાર થશે.
જો કે, ગત ફેબ્રુઆરી સુધીના એક વર્ષ સુધી દિલ્હીમાં એટીએફનો ભાવ પ્રતિ કિલો લીટર રૂા૬૦ થી ૬૫ હજાર હતો આ ભાવમાં માર્ચ માસથી ઘટાડો થવા પામ્યો હતો. લોકડાઉન દરમ્યાન ભારત સહિત વિશ્ર્વનામોટાભાગના દેશોએ વિમાની સેવાઓ બંધ કરી દેતા એટીએફના ભાવો ગત માસે તળીયે ગયા હતા ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ વિમાની સેવા પૂર્વવત કરતા એટીએફના ભાવોમાં ઉછાળો આવીને ૪૮ ટકાનો વધારો આવ્યો છે. ૨૫મી મે બાદ દેશની તમામ એરલાઈન્સ કંપનીઓને કેન્દ્ર સરકારે તેની નિયમિત ઉડ્ડયન સેવાના ત્રીજા ભાગની સેવાઓ શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ તેમાં પણ મર્યાદીત મુસાફરોને જ હવાઈ યાત્રા કરવા દેવાની છૂટ આપવામાંઆવી છે. જેથી પહેલેથી એરલાઈન્સ કંપનીઓ આર્થિક નુકશાની વેઠી રહી છે. તેમાં એટીએફમાં ૪૮ ટકાનો ભાવ વધારાથી થનારા નુકશાનથી એરલાઈન્સ કંપનીઓ મૃત:પ્રાય સ્થિતિમાં આવી જશે તેમ એરલાઈન્સ કંપનીના સુત્રોએ જણાવ્યું હતુ.