૯૬૬૮ પૈકી ૪૮૪૩ કેસનો નિકાલ, અકસ્માતમાં ૧૩.૦૯ કરોડનું વળતર ચુકવાયું: રૂા.૨.૮૯ કરોડના ચેકની રકમનું કરાવ્યુ સમાધાન
રાજકોટ સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય મેગા લોકઅદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટ શહેર અને તાલુકા મથકે અદાલતમાં ૫૦ ટકાથી વધુ કેસોનો નીકાલ કરી અકસ્માતમાં રૂા.૧૩.૦૯ લાખનુ વળતર ચુકવવામાં આવ્યું છે.
વધુ વિગત મુજબ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી દ્વારા ૧૪ ડીસેમ્બરનાં દેશભરમાં મેગા લોકઅદાલતનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ અને તાલુકા મથકે આજે યોજાયેલી લોકઅદાલતમાં ઈન્ચાજર્ મુખ્ય ન્યાયધીશ આર.એલ.ઠક્કરે દિપ પ્રાગ્ટ્ય કરી લોકઅદાલતને ખુલ્લી મુકી હતી. આ તકે અધિક જજો તેમજ બાર એસો.નાં પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીગ્નેશ જોષી અને એમ.સી.પી. બારનાં પ્રમુખ ગોપાલભાઈ ત્રીવેદી સહિતના સિનિયર, જુનિયર એડવોકેટો અને વિમા કંપની, પીજીવીસીએલ અને બેંકનાં અધિકારી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આજની લોકઅદાલતમાં પેન્ડીંગ તેમજ પ્રીલીટીગેશનના કેસો મળી કુલ ૯૬૬૮ કેસો હાથ પર લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪૮૪૩ કેસોનો નીકાલ થયો છે. જેમાં રૂા.૧૩.૦૯ કરોડનુ અકસ્માત વળતર અને ચેક રીટર્ન કેસમાં રૂા.૨.૯૮ કરોડની રકમના સમાધાન રાહે નીકાલ કર્યો છે. જ્યારે લગ્ન વિષયક તકરારનાં ૧૧૨ કેસનુ સમાધાન કરવામાં આવ્યું છે. આજની મેગા લોકઅદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો જોડાતા અને સારો એવો પ્રતિસાદ મળતા ડીસ્ટ્રીકટ જજ ગીતા ગોપીએ શુભેચ્છા પાઠવી છે.