અબતક, નવી દિલ્લી
એન્ટી-મોનોપોલી કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ કથિત કાર્ટેલાઈઝેશનમાં કરવા બદલ પાંચ ટાયર કંપનીઓને રૂ. 1788 કરોડનો સામૂહિક દંડ લાદ્યો છે. પાંચ ટાયર કંપનીઓમાં
એપોલો, સીઆટ, એમઆરએફ, જેકે અને બિરલા ટાયર્સને દંડ ફટકારતી સીસીઆઈ
ફેરટ્રેડ રેગ્યુલેટરે ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એટીએમએ)ને પણ કાર્ટેલાઈઝેશનમાં સામેલ થવા બદલ દંડ ફટકાર્યો છે. કાર્ટેલાઈઝેશન થકી આ ટાયર કંપનીઓ બજારમાં ટાયરની અછત ઉભી કરીને ઊંચા ભાવે ટાયર વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવા કથિત આરોપસર આ ટાયર કંપનીઓને દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે તેમાં એસોસીશનની શંકાસ્પદ ભૂમિકા હોવાથી એસોસીશનને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
કમિશને નોંધ્યું હતું કે, ટાયર ઉત્પાદકોએ તેમના એસોસિએશન એટીએમએના પ્લેટફોર્મ દ્વારા તેમની વચ્ચે કિંમત-સંવેદનશીલ ડેટાની આપ-લે કરી હતી અને ટાયરના ભાવ અંગે સામૂહિક નિર્ણયો લીધા હતા.
કમિશને અવલોકન કર્યું કે, એટીએમએ કંપની-વાઇઝ અને સેગમેન્ટ-વાઇઝ ડેટા સંબંધિત માહિતી એકત્ર અને સંકલિત કરે છે જે ઉત્પાદન, સ્થાનિક વેચાણ અને ટાયરના નિકાસ પર વાસ્તવિક સમયના આધારે કરે છે. આમ, કમિશને નોંધ્યું કે આવી સંવેદનશીલ માહિતીની વહેંચણીથી ટાયર ઉત્પાદકો વચ્ચે સંકલન સરળ બન્યું હતું તેવું સીસીઆઈએ જણાવ્યું હતું.
સીસીઆઈ એ એપોલો ટાયર્સને રૂ. 425 કરોડ, એમઆરએફ લિમિટેડને રૂ. 622 કરોડ અને સીઆટ લિમિટેડને રૂ. 252 કરોડનો દંડ ફટકાર્યો છે. જ્યારે જેકે ટાયર અને બિરલા ટાયરને અનુક્રમે રૂ. 309 કરોડ અને 178 કરોડનો દંડ ફટકાર્યો છે. રેગ્યુલેટરે ઇન્ડસ્ટ્રી એસોસિએશનને 0.084 કરોડનો દંડ પણ લગાવ્યો છે.
નોંધનીય બાબત છે કે, સીસીઆઈનું મુખ્ય કાર્ય કાર્ટેલની શોધ અને સજા પ્રાથમિકતામાં છે. આ આદેશ કાર્ટેલાઈઝેશન પ્રત્યે સીસીઆઈના કડક અભિગમને વધુ મજબૂત બનાવે છે. એવી શક્યતા છે કે, કંપનીઓ સીસીઆઈના આદેશને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પડકારશે.