રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલનો જવાબ આપતા રાજ્યકક્ષાના કેન્દ્રીય આયુષ મંત્રી
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજ્યસભામાં પુછેલા પ્રશ્નના જવાબમાં આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથી (આયુષ)રાજ્ય મંત્રી શ્રીપદ યેસ્સો નાઇકે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં નોંધાયેલા આઠ લાખ આયુષ પ્રેક્ટિશનરો (ડોક્ટરો)માંથી ગુજરાતમાં કુલ ૪૯,૯૭૩ પ્રેક્ટિશનરો નોંધાયા છે. સમગ્ર દેશમાં આયુષ મિનિસ્ટ્રી સાથે નોંધાયેલી કુલ ૪૦૩૫ આયુષ હોસ્પિટલમાંથી ગુજરાતમાં કુલ ૬૪ હોસ્પિટલો આવેલી છે.
ગુજરાતમાં ૪૯,૯૭૩ આયુષ પ્રેક્ટિશનરોમાં સૌથી વધુ ૨૬,૭૧૬ આયુર્વેદની પ્રેક્ટિસ કરે છે, અન્ય ૨૨૯૩૦ હોમિયોપથી પ્રેક્ટિશનર છે અને ૩૨૭ યુનાની પ્રેક્ટિશનર છે. દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ આયુષ પ્રેક્ટિશનરની નોંધણીમાં ગુજરાત પાંચમા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર ૧.૫૩ લાખ અને બિહાર ૧.૩૬ લાખ પ્રેક્ટિશનરો સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતમાં નોંધાયેલી ૬૪ આયુષ હોસ્પિટલોમાં ૪૨ આયુર્વેદ હોસ્પિટલો છે. જ્યારે ભારતની કુલ ૪૦૩૫ આયુષ હોસ્પિટલોમાં અડધાથી પણ વધુ ૨૩૧૬ હોસ્પિટલો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી છે.
પરિમલ નથવાણી જાણવા ઇચ્છતા હતા કે સમગ્ર દેશમાં અને રાજ્યવાર કુલ કેટલા તબીબો આયુર્વેદ, હોમિયોપથી, યુનાની, સિદ્ધા અને નેચરોપથીનીઆયુષ પ્રેક્ટિસ કરે છે અને કેટલી આયુષ હોસ્પિટલો આવેલી છે. આયુષની સ્વાસ્થ્ય સંભાળની સુવિધાઓને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવામાં સરકારે કેવા પગલાં લીધા છે એ અંગે પણ નથવાણીએ પૃચ્છા કરી હતી.
પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ મુજબ, આયુષ દ્વારા પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ અને રેહાબિલિટેટિવ સેવાઓ સર્વગ્રાહી રીતે પૂરી પાડવામાં આવે છે. આ નીતિ સુનિશ્ચિત કરે છે કે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતાં સ્થળો પર આયુષની સારવાર મળી રહે. આયુર્વેદિક દવાઓના ધોરણો નિશ્ચિત કરવા અને તેને માન્યતા આપવા તથા આયુષની ઔષધિઓનું અસરકારક ક્વોલિટી કંટ્રોલ કરવાની જરૂરિયાતને પણ સ્વાસ્થ્ય નીતિ સ્વીકારે છે. સ્થાનિક લોકોને સાંકળીને ટકી શકે એવી જીવનનિર્વાહ પદ્ધતિને વિકસાવવા માટે અને ઔષધીય વનસ્પતિના સ્થાનિક-ઔદ્યોગિકથી લઈને બજાર સુધીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા પર સ્વાસ્થ્ય નીતિ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઔષધીય વનસ્પતિની પદ્ધતિસરની ખેતીને બળવત્તર બનાવવા માટે પણ આ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે.