અનેક મકાનો ધરાશાયી રાહત કામગીરી શરૂ
ઈરાનના દક્ષિણના પ્રાંત કેરમાન નજીક ૫.૯ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળે છે. આજે વહેલી સવારે આ ભૂકંપના પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ ભૂકંપના પગલે ૧૨થી વધુ આફટર શોક અનુભવાયા હોવાનું પણ જાણવા મળે છે.
ઈરાનમાં આવેલા ૫.૯ના ભૂકંપથી અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. હજારો લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં ૬.૧ના ભૂકંપ બાદ આજે ફરીથી ૫.૯નો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ક્ષેત્રમાં કુલ વસ્તી ૮,૨૦,૦૦૦ જેટલી છે. અગાઉ આ ક્ષેત્રમાં ૭.૩ના ભૂકંપ સમયે ૫૩૦ લોકોના મોત થયા હતા. તે સમયે સરકારની ધીમી રાહત કામગીરીની ખૂબજ નિંદા થઈ હતી.
ઈરાન ઉપરાંત કેલીફોર્નિયાના ઉત્તરમાં પણ ૩ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું યુએસ જીયોલોજીકલ સર્વેના આંકડાથી માલુમ થાય છે. અમેરિકન જીયોલોજીકલ સર્વેના આંકડાનુસાર સ્પેનીસ સ્પ્રીંગથી ૫૫ માઈલ દૂર આ ભૂકંપનું એપી સેન્ટર છે. આ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી આગના પગલે અફરાતફરી મચી છે.