મોબાઈલ રિચાર્જિંગ ધંધામાં રોકાણના નામે કરોડો ઉઘરાવી કંપની બંધ કરી દીધાનું ચકચારી પ્રકરણ
મોબાઈલ રિચાર્જિંગ અને કોમ્યુનિકેશનને લગતો વ્યવસાય કરતી કંપની ચાલુ કરીને તેમાં કમિશન ઉપરાંત નફામાં પણ ટકાવારી આપવા લલચાવી લોકો પાસેથી રૂપિયા પોણા છ કરોડ જેટલી રકમ એકત્ર કરી કંપની બંધ કરી દઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના ચકચારી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પોતાનું લેણું સ્થાપિત નહીં કરી શકવાને કારણે આરોપી ઓન ટેલિકોમ પ્રા.લી.ના સિંગલ ડાયરેક્ટર દેવાંગ નીતિનભાઈ ચુડાસમાની જામીનઅરજી મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ બોટાદના પ્રદીપ અલગ ભાઈ ખાચર તથા સાહેદો દ્વારાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદ આપ્યાને પગલે દેવાંગ નીતિનભાઈ ચુડાસમાને કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરતા આરોપીએ જામીન પર મુકત થવા સેશન્સ કોર્ટ ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી નામંજુર થતા તેણે એડવોકેટ તુષાર ગોકાણી મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
તેમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાની ખંડપીઠ સમક્ષ આરોપી તરફે તમામ રકમ ચુકવાઈ ગઇ હોવાનો એક હજાર પાનાના રિપોર્ટ રજુ કરાયો હતો, તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીના કથન અનુસાર પોલીસે યોગ્ય તપાસ કરેલ ન હોય ફેરતપાસ માટે હાઈકોર્ટને અરજી કરવા જણાવતા હાઈકોર્ટ દ્વારા હુકમ મુજબ ફેરતપાસ થઇ હતી, જેમાં અગાઉ છેતરપિંડી થયાનું જણાવનાર સાહેદોએ તેમના નિવેદનોમાં દર્શાવેલ મોટી રકમોનો કોઈ આધાર પુરાવો રજુ કરી શકેલ નહીં ઉલ્ટાના અમુક સાહેદોએ આરોપી પાસે કોઈ રકમ લેવાની થતી નથી તેવું જણાવતો વિશેષ તપાસના અહેવાલ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ થયો હતો. ત્યારબાદ સુનાવણીમાં ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીએ સર્વોચ્ચ અદાલત સમક્ષ ઓનલાઈન હાજર રહી રજૂઆત કરતા જણાવેલ કે, સમગ્ર કેસ જે તે સમયના પોલીસ અધિકારીઓના ભેજાની જ ઉપજ છે.
ખરી હકીકતે ફરિયાદી પોતે આરોપીના નામે અન્ય લોકો પાસેથી પૈસા ઉઘરાવી ચાંઉ કરી ગયેલ છે. હાઈકોર્ટે કરાવેલ ફેર તપાસમાં પોલીસે જ નિમેલ સરકારી ઓડિટરના રિપોર્ટ મુજબ કોઈ વ્યકિત પોતાનું લેણ સાબિત કરી શક્યા નથી જેથી આરોપીને તાત્કાલીક જામીન મુકત કરવા રજુઆતો કરેલ હતી. જે ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સંતોષ ક્રિષ્ના, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી રોકાયા છે.