4,500 કર્મચારીઓ અને 2000 પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું એરિયસ બે હપ્તામાં ચૂકવાશે
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાની તીજોરી પર વાર્ષિક રૂ.5.50 કરોડનો માતબર બોજો પડ્યો છે. મોંઘવારી ભથ્થું 1 જુલાઇ, 2021થી ચૂકવવાનું થતું હોય 10 મહિનાનું એરિયસ કર્મચારીઓને બે હપ્તામાં ચૂકવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ કોર્પોરેશનમાં 4500 કર્મચારીઓ અને 2000 પેન્શનરો મોંઘવારી ભથ્થું મેળવવા માટે લાયક છે. જેઓને હાલ બેઝીક પગારના 28 ટકા લેખે મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થુ 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. જેના કારણે કોર્પોરેશનની તીજોરી પર માસિક રૂ. 45 લાખ અને વાર્ષિક રૂ.5.50 કરોડનો બોજો પડ્યો છે. દરમિયાન મોંઘવારી ભથ્થુ 1 જુલાઇ, 2021થી ચૂકવવાનું થાય છે. 10 મહિનાનું એરિયસ કર્મચારીઓને રાજ્ય સરકારની સૂચના મુજબ બે હપ્તામાં ચૂકવવામાં આવશે.