મેદાનની રમતોથી લુપ્ત થતી ગામડાની સંસ્કૃતિ, પરંપરાઓ બધુ જ જળવાઈ રહેશે: બાળકીને લંગડી, ખો-ખો, દોરડા કૂદ, કબડ્ડી સહિતની રમતો રમાડવા નવરંગ નેચર કલબ સતત કાર્યરત
ભારત અત્યારે ગાંધીજીના સ્વાવલંબી ગામડાની પરીકલ્પનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે. ધીમે ધીમે ગામડાં ભાંગતા જાય છે. શહેરીકરણ અતિ ઝડપે વધી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં રોજ હજારો માણસો ઠલવાય છે. જેણે અર્બન પ્લાનિંગ જેવી રૂપાળી દિશાઓ ખોલી આપી છે. ગામડાંને સ્વાવલંબી નહિ, ત્યાં માત્ર રોજગારીની તકો ઊભી કરી શકીએ તો પણ ઘણું છે. એક ગામ ધીમે ધીમે ઉજ્જડ બને એટલે માત્ર લોકો જ નથી જતાં. એક સંસ્કૃતિ, ઇકોનોમીની એક સિસ્ટમ, પરંપરાઓ, સબંધો, વર્ષોથી ચાલતો સહવસવાટ આ બધું લુપ્ત થાય છે.
આજે આપણે ગામડામાં રમાતી અને હવે ભાગ્યે જ જોવા મળતી રમતો વિશે જરા વાત કરીશું. આ રમતો ગામડાંના યુવાનો, કિશોરો અને બાળકોને શારીરિક રીતે સક્ષમ બનાવાનું કામ કરતી. સૌથી પહેલાં સાંભળે આંબલી પીપળી અને કબડ્ડી. આ બંને રમતો અંગે મોટા ભાગના લોકો જાણતા હશે. ગામ કે ખેતરમાં આવેલા મોટા વૃક્ષો પર ઝપાટાભેર ચડવાનું, ઊંચી ડાળ પરથી નીચે કુદકો મારવાનો, એક ડાળ પરથી બીજી ડાળ પર વાંદરાની જેમ લટકતા જવાની મજા હવે ક્રિકેટ કે લોન ટેનિસમાં પણ નથી આવતી. કબડ્ડીએ તો હવે ગ્લોબલ અને ગ્લેમરસ બંને સ્વરૂપ ધારણ કર્યા હોવાથી એના વિશે લખવાની કોઈ જરૂર નથી રહેતી. સ્કુલ, કોલેજ, કબડ્ડી સ્પર્ધાઓમાં અને હોળી પર કબડ્ડી ખુબ રમતા હોઈ છીએ.
ગામડે નાનપણમાં ઘરગોખલેથી રમતો રમવાની શરૂઆત થતી, સમજણ પણ જ્યારે ના આવી હોય એવા સમયે એટલે કે પાંચેક વર્ષની ઉંમરે અમે અમારી કલ્પનાના ઘર બનાવતાં. ખેતર, ઝરણાં, ગામની ભાગોળ કે ફળીયામાં ઘર ઘર(ઘર ગોખલે) રમતાં. ત્યારે કરોડાના બંગલા કે લાખોના ફ્લેટ્સની ચિંતાઓ ન હતી. માત્ર ધૂળમાં પાળીઓ બનાવીને નાની એવી જગ્યામાં ઘર બનાવી એમા ઢીંગલાં-ઢીંગલીં મુકી રમતા. એમા લગ્નોથી લઈ મેળા અને તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી.
થોડા મોટા થયાં બાદ આવતી ચકરડાંની રમત. ધૂળમાં મસ્ત ચકરડાં હાથેથી દોરવાનાં, ધૂળ ખસેડી સુંદર લાગે તેવો ગોળ આકાર આપવાનો. એમાં એક દાણ હોય એટલે કે નાનો પથ્થર હોય. એ દાણને વારાફરતી ચકરડાંઓમાં નાખી, એક પગે એટલે કે લંગડી કરીને ચકરડાં પસાર કરવાનાં દાણ વાળું ચકરડું કુદી જવાનું. સાવ સાદી આ રમત એકધારી કલાકો સુધી રમવામાં આવતી હતી. સંતાકુકડી અને પડક દાવ શાળાની રીસેસમાં લગભગ દરરોજ રમાતી હોય છે. ગામની ગૌશાળાની પાળીઓ પકડ દાવ માટે અનુકુળ હતી, તો સંતાકુકડી માટે ગામની અનેક જગ્યાઓ હતી, જેમાં કોઈના ઘરથી માંડીને મંદિરો આ રમતના આશ્રય સ્થાનો હતાં. સંતાકુકડીનું દેશી નામ થપ્પો દા હતું. આ થપ્પો દાની જરા સુધરેલી આવૃતિ એટલે ડબલું ડુલ, જેમાં એક પતરાંનું નાનું ડબલું (અમુલ ઘીના એક કિલોના ડબ્બા જેવું ડિટ્ટો) રાખતા, જેનો ઘા કરવાનો, દાવ આપનાર એ ડબલું લઈને આવે ત્યાં સુધીમાં બધાં સંતાઈ જાય. દાવ આપનાર જે જે લોકોને જુએ એના નામનું ડબલું ડુલ કરતો જાય. આવી રમતો રમવાની મજાજ કઈક અલગ હતી નવરંગ નેચર કલબ દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં લંગડી દોરડાકુદ, ખો-ખો, આંધળો પાટો, રેલગાડી, દેડકાદોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી.
ઓછા સાધનોથી રમી શકાય છે દેશી રમતો: વી.ડી.બાલા
બાળકોને મોબાઈલની રમતોમાંથી બહાર કાઢવા માટે મેદાનની દેશી રમતો રમાડવી જોઈએ કે જે મોટા ભાગે શેરીઓમાં રમાતી શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં થોડા માણસોથી, થોડા સમય અને નહીવત સાધનોથી રમી શકાય છે.
દેશી રમતો પર ભાર મુકવા શિક્ષકો માટે તાલીમ યોજાઇ: ભારતીબેન મોણપરા
રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકોની તાલીમ ત્રીમંદિર ખાતે ૩ દિવસ માટે રાખવામાં આવી હતી જેમાં તમામ તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં શિક્ષકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવામાં આવી હતી. જેમાં દેશી રમતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતુ.