Website Template Original File1 45

સુરત ખાતે રહેતા અને શ્રી શ્રી ડાયમંડ પ્લાનીગ નામની કંપનીથી હીરાનો વ્યવસાય કરતા બિપીનભાઈ ઉ.વ. ૪૨, તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૧૫ કલાકે બ્લડપ્રેશર વધી જવાને કારણે બેહોશ થઈ જતા પરિવારજનોએ તેમને તાત્કાલિક પી.પી. સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં આવેલ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કર્યા. તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ હિન્દુજા હોસ્પિટલથી સુરતની કિરણ હોસ્પીટલમાં વધુ સારવાર માટે ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

તા. ૧૮ સપ્ટેમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે બિપીનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

બિપીનભાઈના ભાઈ વિપુલભાઇના મિત્ર પીન્ટુભાઈ દેવાણીએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી બિપીનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી બિપીનભાઈના ભાઈ વિપુલભાઈ, સાળા ઘનશ્યામભાઈ સાવલીયા, પુત્ર રાજ, ભત્રીજા દર્શન, પીન્ટુભાઈ દેવાણી તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

બિપીનભાઈનો પુત્ર રાજ કે જે ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષ

માં અભ્યાસ કરે છે, તેને જણાવ્યું કે, મેડીકલના વિદ્યાર્થી તરીકે અંગદાનનું મહત્વ શું છે, તે ખુબ જ સારી રીતે

images 1 1

હું સમજુ છું. મારા પપ્પા બ્રેઇનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય, તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા આપ આગળ વધો. બિપીનભાઈના પરિવારમાં તેમના પિતા કેશવજીભાઈ ઉ.વ ૬૫ જેઓની ગામમાં ખેતી છે, માતા હંસાબેન ઉ.વ ૬૫, પત્ની અલ્પાબેન ઉ.વ. ૪૨ ગૃહિણી છે, અને પુત્ર રાજ ઉ.વ.૨૧, જે ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, બંને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવી.

હૃદયનું દાન સુરતની મહાવીર હોસ્પિટલના ડૉ. મહેશ વિન્ચુરકર, ડૉ. મેહુલ, ડૉ. નીરજ કામથ, ડૉ. રોહિત બુનાગે અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નામા અને તેમની ટીમે સ્વીકાર્યું.

સુરત શહેર પોલીસના સહયોગથી હૃદયને ગ્રીન કોરીડોર દ્વારા કિરણ હોસ્પિટલ થી મહાવીર હોસ્પિટલ પહોચાડવામાં આવ્યું અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૪૬ વર્ષીય મહિલામાં ડૉ. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૦૬ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૧૭ વર્ષીય યુવકમાં અને બીજી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સેલવાસની રહેવાસી ૨૭ વર્ષીય યુવતીમાં ડૉ. પ્રમોદ પટેલ, ડો. મુકેશ આહીર અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ ઓગણપચાસમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. બિપીનભાઈ કેશવજીભાઈ વાગડિયા ઉ.વ. ૪૨ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બિપીનભાઈના પત્ની અલ્પાબેન, પુત્ર રાજ, ભાઈ વિપુલભાઈ, સાળા ધનશ્યામભાઈ સાવલીયા, ભત્રીજા દર્શન, પીન્ટુભાઈ દેવાણી, વાગડિયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર જગદીશ સિંધવ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૮૪ કિડની, ૨૦૮ લિવર, ૪૯ હૃદય, ૪૦ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૭૯ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૭૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.