બીજા રાઉન્ડના પ્રવેશ જાહેર કરાયા બાદ આરટીઇની 30127 બેઠકો ખાલી પડી: પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા 48809 વિધાર્થીઓ પૈકી બોગસ ડોક્યુમેન્ટથી દાખલ થયેલા 1130ના પ્રવેશ રદ
ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા આરટીઇ એક્ટ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ આપવાનો આજે બીજાે રાઉન્ડ યોજાયો હતો. જેમાં વધુ ૪,૯૬૬ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આ બાળકોએ આગામી તા. ૫ જૂન સુધીમાં પ્રવેશ નક્કી કરાવી લેવાનો રહેશે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ પૈકીનાં ૧,૧૩૦ બાળકોના પ્રવેશ રદ કરાયા છે. બીજા રાઉન્ડ બાદ હજુ પણ ૩૦,૧૨૭ જગ્યા ખાલી પડી રહી છે.
આરટીઇ એક્ટ-૨૦૦૯ હેઠળ રાજયમાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩ને સોમવારનાં રોજ જાહેર કરાયો છે. જેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ આગામી તા. ૫ જૂનને સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નક્કી કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જણાવાયું છે.તેમણે જણાવ્યુ હતું કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યની કુલ ૯,૮૩૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૫૩ જેટલી જગ્યાઓ આરટીઇ એક્ટ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે.
જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલા પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલા હોય તેમજ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી આરટીઇ હેઠળ પ્રવેશ રદ કરાયા છે.આરટીઇ એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે.
જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬, અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬, હિન્દી માધ્યમની ૨,૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, આરટીઇ એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા હતા.
જેના ભાગરૂપે પ્રથમ રાઉન્ડ થયા બાદ ખાલી રહેલી ૩૩,૯૦૭ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૧૩,૨૯૯ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૨૩/૫/૨૦૨૩ થી તા. ૨૫/૦૫/૨૦૨૩ દરમિયાન અપાઈ હતી. આ સમયમાં એકંદરે કુલ ૮,૦૩૮ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫,૦૬૧ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી.