શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા
તાલાળા પાસે મધ્યગીરમાં ભોજદે ગામે ગુજરાત રાજ્ય આચાર્ય સંધનું ૪૮મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશનનો શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે પ્રારંભ થયો હતો. ત્રણ દીવસ ચાલનારા આ અધિવેશનમાં રાષ્ટ્રીય, રાજ્ય પારીતોષીક વિજેતા આચાર્યશ્રીઓ, બોર્ડ મેમ્બરશ્રીઓ, શ્રેષ્ઠ પરિણામો લાવનાર આચાર્યશ્રીઓનાં સંતાનોનું બહુમાન કરવામાં આવશે.
અધિવેશનનો પ્રારંભ કરાવી શિક્ષણમંત્રીશ્રી ચુડાસમાએ કહ્યું કે, રાજ્ય સરકાર બાળકોનાં સર્વાગી ઘડતર અને તેમની ઉજ્જવલ કારકીર્દી માટે પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકારની સાથે સંકળાયેલા આચાર્યશ્રીઓ- શિક્ષકો તેમજ વાલીગણનાં સામુહિક પ્રયાસોથી આપણા બાળકોનું ભાવિ ઉજ્જવલ બનાવવાનું છે.
શ્રેષ્ઠ પરિણામ લાવનાર આચાર્યશ્રીઓનાં સંતાનો, એવોર્ડ વિજેતા આચાર્યશ્રીઓને શુભેચ્છા પાઠવી શિક્ષણમંત્રશ્રીએ કહ્યું કે, ખાનગી શાળાઓમાં પણ ફી માં રાહત અપાવી ગરીબ લોકોનાં સંતાનોને સંસ્કાર સાથેનાં શિક્ષણ માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે આચાર્યશ્રીઓનાં વહિવટી અને શૈક્ષણિક પ્રશ્નો અંગે રાજ્ય સરકાર હકારત્મક ઉકેલ લાવવાં પ્રયાસો અંગે પણ વિગતો આપી હતી.
નગરપાલિકા તાલાળામાં નેશનલ લેવલ શ્રેષ્ડતા પ્રાપ્ત કરનાર મોરી રમઝાન, ભાલીયા અઝરુદીન, ભાલીયા સમીરનું સન્માન શ્રી નિજાનંદબાપુ અને આચાર્ય સંધના પ્રમુખ ,પ્રવિણસિંહ સોલંકીએ કર્યું હતું.
આ પ્રસંગે તાલાળાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા સાહિત્યકાર જય વસાવડાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ભુપેન્દ્ર જોષીએ કર્યું હતું. રાજ્યભરમાંથી હાઇસ્કુલનાં આચાર્યો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.