બે દિવસમાં ખાડાઓ નહીં બુરાય તો મુખ્યમંત્રી અને મેયરના ઘર પાસે ખાડાઓ ખોદવાની કોંગ્રેસની ચીમકી
વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ૨૯મી જુને રાજકોટ પધારેલા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં સુશોભન કરવામાં આવ્યું હતું અને રાજમાર્ગો પર હજારોની સંખ્યામાં ખાડા ખોદી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયાના ૬ દિવસ બાદ પણ રોડ પરના ખાડાઓ ન બુરાતા વિપક્ષ કોંગ્રેસ લાલઘુમ થઈ ગયું છે અને ખાડાઓ બુરવા માટે મહાપાલિકા તંત્રને બે દિવસની અલ્ટીમેટમ આપ્યું છે. જો બે દિવસમાં ખાડાઓ બુરવામાં નહીં આવે તો કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓના ઘર પાસે મહાકાય ખાડાઓ ખોદશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આગમન સમયે રસ્તાઓ સુશોભન અને રોશની માટે ઠેર-ઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા હતા. ખાદાઓ બુરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ખાડામાં લોકો પડી રહ્યા છે અને હાલ વરસાદની આગાહી હોય મોટી જાનહાનીની દહેશત ઉભી થવા પામી છે. જો મહાપાલિકા તંત્ર દ્વારા આગામી બે દિવસમાં શહેરમાં ખાડાનું સામ્રાજય નાબુદ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને ભાજપના નેતાઓના ઘર પાસે મોટા ખાડાઓ કરશે. આટલું જ નહીં ખાડાઓના કારણે જો અકસ્માત સર્જાશે અને કોઈ જાનહાની થશે તો તેની જવાબદારી જે-તે વિસ્તારના ઈજનેરની રહેશે અને તેની સામે કોંગ્રેસ કાનુની કાર્યવાહી હાથ ધરશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમ માટે મહાપાલિકા તંત્રએ શહેરભરમાં ૩૦ હજારથી વધુ ખાડાઓ ખોદયા હતા અને આ પૈકી ૯ હજાર ખાડાઓ માત્ર બેરીકેટ ઉભી કરવા માટે જ બનાવવામાં આવ્યા હતા. ગઈકાલે રેસકોર્ષ નજીક એક બાળક ખાડાના કારણે પડી ગયો હતો. જેનાથી તેને ડાબા હાથમાં ફેકચર પણ થયું હતું. બે દિવસમાં ખાડા બુરવા માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો કોંગ્રેસ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપશે.