દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફસોરટ્રફ સાથોસાથ ગુજરાત પર લોપ્રેશર જેવી બબ્બે સિસ્ટમો સક્રિય હોય રાજયમાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના: તંત્ર સાબદુ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજયમાં આજે અનેક વિસ્તારોમાં સુપડાધારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સાબદુ થઈ ગયું છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ જોડાયેલા વિસ્તારોમાં લો-પ્રેશર સાથોસાથ સાયકલોનીક સરકયુલેશન દરિયાઈ સપાટીથી ૭.૬ કિલોમીટરની ઉંચાઈ પર છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સાથે જોડાયેલા વિસ્તારોમાં લો-પ્રેશર અને દરિયા સપાટીથી ૩.૬ કિલોમીટરની ઉંચાઈ સુધી અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતથી લઈ કર્ણાટક સુધી ઓફસોરટ્રફ છે. જેના કારણે આગામી ૩ દિવસ એટલે કે ૨૫મી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અતિભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. અમુક વિસ્તારોમાં વિનાશક વરસાદ પડે તેવી પણ શકયતા રહેલી છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આજે સાર્વત્રિક ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના રહેલી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે તો સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તમામને સ્ટેન્ડ ટુ રહેવા અને હેડ કવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.