ભૂલકાઓના પાયાના શિક્ષણને બનાવાયું અદ્યતન
જ્ઞાન સાથે ગમ્મત અને આધુનિક પધ્ધતિના સમન્વયથી ભૂલકાઓનો થશે સર્વાંગી વિકાસ: ડીડીઓ
રાજ્ય સરકાર દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આઇ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત આંગણવાડી દ્વારા બાળકના પોષણ અને શિક્ષણ બંનેની દરકાર લેવામાં આવે છે. બાળક અક્ષર જ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી કેન્દ્રમાં જઈ મેળવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણએ બાળકની પાયાની કેળવણી છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે ગમ્મત મેળવે અને આધુનિક પધ્ધતિની શૈક્ષણિક ઢબ તથા વિવિધ રમતોથી બાળકોનો સર્વાંગી વિકાસ વધુ મજબૂત થાય તે માટે રાજકોટ જિલ્લામાં 70 આંગણવાડીઓને મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે. આ સાથે જ બાળકોના શારીરિક વિકાસ માટે 48 આંગણવાડીઓને રમતગમતના સાધનોથી સજજ કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા પંચાયત રાજકોટના સ્વ-ભંડોળમાથી રૂ. 1 કરોડ 44 લાખ 70 હજાર 900 ખર્ચે મોડલ આંગણવાડી બનાવી તથા રમતગમતના સાધનો અર્પણ કરાયા છે. મોડલ આંગણવાડી માટે બે તબક્કામાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત, રાજકોટ સ્વ-ભંડોળ ગ્રાંટ વર્ષ-2022-23માંથી ફેઝ-1 માં કુલ 35 આંગણવાડીને મોડેલ બનાવવામાં આવેલ હતી. જેમનો એક આંગણવાડીનો ખર્ચ રકમ રૂ.1,93,714/- થયો હતો અને કુલ 35 આંગણવાડીની ખર્ચ રકમ રૂ.67,80,000/- જેટલો થયેલ છે.
આ તબક્કામાં આંગણવાડીઓને મેગ્નેટ બોર્ડ વિથ માર્કર, રમકડા, બુક વગેરે જેવી વિવિધ પ્રકારની કુલ 13 વસ્તુઓ આપવામાં આવેલ હતી. ફેઝ-2માં અન્ય 35 આંગણવાડીઓને મોડેલ બનાવવામાં આવી. જેમનો એક આંગણવાડીનો ખર્ચ રકમ રૂ.1,34,300/- અને કુલ 35 આંગણવાડીનો ખર્ચ 2કમ રૂ.47,00,500/- જેટલો થયો હતો. જેમાં ટીવી, પેનડ્રાઈવ, કેલેન્ડર, જેવી વિવિધ પ્રકારની કુલ 13 વસ્તુઓ આંગણવાડીઓને આપવામાં આવેલ છે.
આઉટડોર રમતો સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તે માટે રાજકોટ જિલ્લાના અલગ-અલગ 48 આંગણવાડી કેન્દ્રો પર રમત-ગમતના સાધનો જેવા કે હીંચકા, લપસીયા અને ઉચક-નીચક રૂ.29,90,400/-ના ખર્ચે આપવામાં આવ્યા હતા. આંગણવાડી કેન્દ્રો પર આકર્ષક શૈક્ષણિક ચિત્રો, સ્માર્ટ ટીવી, સ્પેશિયલ બોર્ડ, શૈક્ષણિક રમકડાં, વિવિધ પઝલ, બ્લોક સેટ, બાળકો માટેના ખાસ 12 પ્રકારના પુસ્તકો વગેરે સવલતો આપી બાળકોને મોન્ટેસરી મેથડ, મૂલ્ય શિક્ષણ સાથે વિવિધ વિષયનું જ્ઞાન મળે તેવી તમામ સવલતો મોડેલ આંગણવાડી પર બાળકોને આપવામાં આવી રહી છે.
આ સુવિધાઓને કારણે બાળકો આંગણવાડી કેન્દ્રો પર ઉત્સાહથી આવતા થયા છે અને સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ જોવા મળેલ છે તેમજ વાલીઓ પણ બાળકોને નિયમિત આંગણવાડી કેન્દ્ર પર મોકલવા માટે પ્રેરાય છે.