રાજય સરકાર અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રયાસોથી છેવાડાનાં લોકો સુધી આરોગ્યની સુવિધા પહોચી છે. જૂનાગઢ જિલ્લાનાં 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 47 હેલ્થ એટીએમ મુકવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં હેલ્થ એટીએમનો પ્રયોગ સફળ રહ્યો છે.
હેલ્થને લગતા 50 પ્રકારનાં ટેસ્ટ વિનામૂલ્યે મિનિટોમાં થશે
જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રકલ્પોની ગ્રાન્ટમાંથી 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 47 કેન્દ્ર ખાતે આ હેલ્થ એટીએમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ હે્લ્થ એટીએમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલની વિવેકાધીન ગ્રાન્ટ માંથી રૂ. 132 લાખ અને રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટ માંથી રૂ. 40 લાખના ખર્ચે તૈયાર થયા છે.
આ હેલ્થ એટીએમ મશીન દ્વારા દર્દીના વિવિધ 50 પ્રકારના હેલ્થને લગત ટેસ્ટ જેમાં 19 પ્રકારના બેઝિક પેરામીટર ચેકઅપ જેમ કે વજન, ઊંચાઈ, બીએમઆઈ, મસલ્સ માસ, બોડી ફેટ, બોન માસ, ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ, પલ્સ રેટ, લોહીનું દબાણ વગેરે જેવા બેઝિક પેરામીટર ચેક થશે. તેમજ કેન્સર તથા હૃદય રોગનું રિસ્ક એસેસમેન્ટ ટેસ્ટ દ્વારા આ રોગોના સંભવિત જોખમની ચકાસણી પણ કરી શકાશે
તે સિવાય ઇસીજી પણ કાઢી શકાશે. આંખને લગતા વિવિધ પાંચ પ્રકારના ટેસ્ટ કે જેમાં વિઝન ટેસ્ટ, કલર વિઝન ટેસ્ટ જેવા ટેસ્ટ કરી શકાશે. આ મશીનમાં આપવામાં આવેલ કેમેરા મારફત કાન અને નાકનો અંદરથી ફોટો, સ્કીન અને નખને લગતા ફોટો લઈ તપાસ તેમજ આ ફોટો નિષ્ણાંત તબીબને મોકલી જરૂરિયાત અનુસારની સારવાર માટેનું માર્ગદર્શન મેળવી શકાય છે. આ ઉપરાંત આ હેલ્થ એટીએમ. માં પેશાબના 11 પ્રકારના ટેસ્ટ કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર ટેસ્ટ તથા હિમોગ્લોબીન ટેસ્ટ પણ કરવામાં કરવામાં આવે છે.
પી એચ સી વડાલના લેબોરેટરી ટેકની્શયન જલ્પાબેન ભાલોડિયાના જણાવ્યા મુજબ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાલ હેઠળ 12 ગામના દર્દીઓ ઉપરાંત રાજકોટ જિલ્લાની હદ ચોકી ગામથી સ્પર્શતી હોય અહીં અકાળા, પીપળીયા સહિતના ગ્રામજનો પણ લાભ લઇ રહ્યા છે. અહીં હેલ્થ એટીએમ. ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.