3 જુલાઈથી શરૂ થશે વિમ્બલડન: મેન્સ-વિમેન્સ સિંગલ્સના વિજેતાની ઈનામી રકમમાં 17.5 ટકાનો વધારો
ટેનિસની સિઝનની ત્રીજી અને ગ્રાસ કોર્ટ પર રમાતી સૌથી જૂની વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં આ વર્ષે કુલ મળીને રૃપિયા 465 કરોડના રોકડ ઈનામની વહેંચણી કરવામાં આવશે. વિમ્બલડનની આયોજક એવી ઓલ ઈંગ્લેન્ડ કલબે જાહેરાત કરી છે કે, આ વર્ષે મેન્સ સિંગલ્સના ચેમ્પિયન ખેલાડીને આશરે રૃપિયા 25 કરોડની ઈનામી રાશિ ચૂકવવામાં આવશે. બ્રિટિશ પાઉન્ડમાં આ રકમ 23.5 લાખની રહેશે. નોંધપાત્ર છે કે,ગત વર્ષે સર્બિયાના યોકોવિચ અને કઝાખસ્તાનની રિબાકીનાએ અનુક્રમે મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યા હતા.
ઓલ ઈંગ્લેન્ડ કલબના ગ્રાસ કોર્ટ પર તારીખ 3જી જુલાઈથી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમનો પ્રારંભ થશે. આયોજકોએ મેન્સ અને વિમેન્સ સિંગલ્સના વિજેતાની ઈનામી રકમમાં 17.5 ટકાનો વધારો કર્યો છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, વિમ્બલડનમાં મેન્સ કે વિમેન્સ સિંગલ્સમાં પહેલા જ રાઉન્ડમાં હારનારા ખેલાડીને આશરે 60 લાખ રૃપિયા ચૂકવવામાં આવનાર છે.
જ્યારે સિંગલ્સની ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં પહેલી જ મેચ હારનારને 12,750 પાઉન્ડ આપવામાં આવશે. જ્યારે વિમ્બલડનના વ્હીલચેર ચેમ્પિયનને 60 હજાર પાઉન્ડ એટલે કે આશરે રૃપિયા 65.5 લાખ આપવામાં આવશે.ગત વર્ષે વિમ્બલડનના આયોજકોએ રશિયા અને બેલારૃસના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બંને દેશના ખેલાડીઓ ગત વર્ષે વિમ્બલડન રમી શક્યા નહતા. જોકે હવે તે પ્રતિબંધ હટાવી લેવાયો છે અને આ બંને દેશના ખેલાડીઓ આ વર્ષે વિમ્બલડનમાં રમતા જોવા મળશે.