ગરમીમાં ઠંડકના અહેસાસ માટે સાબર, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ માટે માંદણા પણ બનાવાયા 2000થી વધુ કીટકોની પ્રજાતિને પાણી પૂરું પાડવા માટે શણના કોથળા મૂકવામાં આવ્યા
ગિરના જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોતોનું અસમાન રીતે વિતરણ થયેલું છે. જેથી વન્ય પ્રાણીઓને ઉનાળામાં તરસ છીપાવવા માટે ભારે રખડપટ્ટી કરવી પડતી હોય છે. પરંતુ વન વિભાગે એ વન્ય પ્રાણીઓના પીવાના પાણી માટે 451 જેટલા કૃત્રિમ પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરેલા છે. ઉપરાંત સાબર, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓને ઠંડકના એહસાસ માટે માંદણા પણ વનવિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ મોટાભાગના કૃત્રિમ પીવાના પાણી સ્ત્રોત સૌર ઉર્જા અને પવન ઊર્જાના માધ્યમથી ભરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિત ગિરનું જંગલ સુકા પાનખર પ્રકારનું જંગલ છે. આ અનન્ય ઈકો સિસ્ટમ સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે. ગિરનાર જંગલમાં 41 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ, 47 પ્રજાતિના સરીસૃપ, 338 પ્રજાતિના નિવાસી અને યાયાવાર પક્ષીઓ તેમજ 2000 થી વધુ પ્રજાતિના કીટકો વસવાટ કરે છે.
ગીરનું જંગલ શેત્રુંજી, હિરણ, શિંગોડા, મચ્છુદ્રી, રાવલ, ઘોડાવડી અને ધાતરડી જેવી મહત્વની નદીઓનો ઉદગમ સ્થાન છે. ગિરની જીવાદોરી ગણાતી આ નદીઓ જુદી જુદી દિશામાં વહે છે. આ નદીઓ અને જળાશયો વિશાળ કેચમેંટ વિસ્તાર ધરાવે છે.
આ નદીઓ અને જળાશયો માત્ર મનુષ્યને પીવા અને કૃષિ હેતુઓ માટે જ નહીં પરંતુ વન્યજીવો માટે પણ પાણી પૂરું પાડે છે. પરંતુ ઉનાળા દરમિયાન મોટાભાગના કેચમેંટ અને મોસમી પ્રવાહના વિસ્તારો સુકાઈ જાય છે અને પાણી ભરેલા ખાડા જેને સ્થાનિક ભાષામાં ઘુના તરીકે ઓળખવામાં આવે છે તેમાં પાણી વધે છે. ગિરના જંગલની ડ્રેનેજ પેટન અને ટેરેનના કારણે આવા કુદરતી પાણીના સ્ત્રોતોનું વિતરણ અસમાન છે.
આના કારણે વન્યજીવો જે બાજુ વધુ પાણી હોય તે બાજુ વધુ જતા રહેતા હોય છે. પાણીના પોઇન્ટ ઈકો સિસ્ટમ ફંક્શનીંગ અને વન્ય પ્રાણીઓની હિલચાલ સાથેના જોડાણના કારણે તેનું વ્યવસ્થાપન મહત્વનું બની જાય છે. તેથી ગિરના જંગલોમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીના વ્યવસ્થાપન મહત્વનું છે.
ગિરના જંગલોમાં પાણીના પોઇન્ટને કુદરતી અને કૃત્રિમ એમ બે વિભાગમાં વિભાજીત કરવામાં આવે છે. કુદરતી પાણીના પોઇન્ટ એવા હોય છે. જે આખા વર્ષ દરમિયાન જો તે વિસ્તારમાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો હોય તો કુદરતી ડિપ્રેશન, નદીઓ અથવા મોટા પ્રવાહોમાં પાણીનો સંગ્રહ કરે છે. કૃત્રિમ પ્રાણીના પોઇન્ટ માનવ સર્જિત હોય છે. જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વન્યજીવો માટે પાણી પૂરું પાડવા બનાવવામાં આવે છે
ગિરમાં કુલ 618 પાણીના પોઇન્ટ આવેલા છે. જે પૈકી 167 કુદરતી અને 451 કૃત્રિમ પાણીના પોઇન્ટ છે. કૃત્રિમ પાણીના પોંઈટ વિવિધ માધ્યમો દ્વારા ભરવામાં આવે છે. જેમાં વધુમાં વધુ સૈાર ઉર્જા અને પવન ઊર્જા જેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો પ્રયાસો કરવામાં આવે છે. સૌર ઉર્જા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સ્ત્રોત છે. સૌર ઉર્જાની મદદથી કુલ 163 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. આ ઉપરાંત શ્રમયોગી દ્વારા 119, પાણીના ટેન્કરની મદદથી 80, પવન ચક્કી ઉર્જા દ્વારા 69 અને અન્ય માધ્યમો દ્વારા 20 પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે.
પાણીના પોઇન્ટની બાજુમાં માંદણા પણ બનાવવામાં આવેલ છે. સાબર અને જંગલી ભૂંડ જેવી પ્રજાતિઓ માટે આ માંદણા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે તેના શરીરને ગરમીથી રક્ષણ આપે છે અને તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત બાહ્ય પરોપજીવી કીટકોને શરીર પરથી દૂર કરવામાં, ચામડીને લગત કોઈ અન્ય તકલીફમાં મદદરૂપ થાય છે. પાણીના પોઇન્ટમાંથી ઉભરાઈને આવતું પાણી આ માંદણામાં આવે છે જેથી પાણીનો પૂર્ણ ઉપયોગ થાય છે.
માંદણા ઉપરાંત પાણીના પોઇન્ટ પર અડધી ડૂબેલી અને અડધી બહાર રહે તે રીતે બે શણના કોથળાઓ રાખવામાં આવે છે. આ કોથળાઓ કીટકોને પાણી પુરૂ પાડે છે. અને હવાના કારણે પાણીમાં ઉત્પન્ન થતી લહેરોથી આવા કિટકોને ધોવાઈ જવાથી બચાવે છે. જો પાણીના પોઇન્ટની બાજુમાં માંદણુ હોય તો, આ કોથળાઓની જરૂર પડતી નથી. કેમકે આ માંદણા આ હેતુ પૂરો પાડે છે.
ગિરના જંગલમાં વન્ય જીવોને ટકાવી રાખવા આ કૃત્રિમ પાણીના પોઇન્ટ કુદરતી પાણીના પોઇન્ટ સાથે વિવિધ વન્ય પ્રાણીઓની જરૂરિયાત પૂરી કરે છે. ગીરના જંગલમાં પાણીના પોઈન્ટનું વ્યવસ્થાપન વન્ય જીવના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીનું એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે.