મીઠા માવામાં વેજીટેબલ ફેટ અને વેજીટેબલ ઓઇલની ભેળસેળ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું

રાજકોટ ન્યૂઝ

રાજકોટમાં વેંચાતી એકપણ ખાદ્ય સામગ્રી સંપૂર્ણપણે શુદ્વ ન હોય તેવી ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે. ફરિયાદના આધારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના મોરબી રોડ પર હરિનગર વિસ્તારમાં આવેલા રાધિકા પાર્કમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહિં 4,500 કિલોથી વધુ માત્રામાં ભેળસેળયુક્ત મીઠા માવાનો જથ્થો પકડાયો હતો. જેનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. માવો વેંચનાર અશોકભાઇ શંખાવડા સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે વધુ વિગતો આપતા કોર્પોરેશનના ફૂડ ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે શહેરના મોરબી રોડ પર આવેલા રાધિકા પાર્કમાં એક આસામી દ્વારા ભેળસેળયુક્ત માવાનું ઉત્પાદન કરી તેનું શહેરભરની અલગ-અલગ ડેરીઓમાં વેંચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે આજે બપોરે દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબી રોડ પર આવેલી બારદાન ગલીમાં હરિનગર વિસ્તારમાં રાધિકા પાર્કમાં અશોકભાઇ પરસોત્તમભાઇ શંખાવડા નામના વ્યક્તિ દ્વારા ફૂડ લાઇસન્સ લીધા વિના જ મીઠા માવાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. મીઠો માવો બનાવવા માટે માત્રને માત્ર દૂધ અને ખાંડનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. આ વ્યક્તિ દ્વારા મીઠો માવો બનાવવા માટે વેજીટેબલ ફેટ અને વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલૂમ પડતા સ્થળ પરથી મળી આવેલા આશરે સાડા ચાર ટન એટલે કે 4,500 કિલોથી પણ વધુ ભેળસેળયુક્ત મીઠા માવાના જથ્થાનો ટીપરવાન મારફત નાશ કરવામાં આવ્યો હતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રિયુઝ કરવા માટે સ્થળ પર કોલ્ડ સ્ટોરેજમાં 150 કિલો જેટલી મીઠાઇ અને 60 કિલો વાસી શ્રીખંડનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેનો નાશ કરી દેવામાં આવ્યો છે. ડુપ્લીકેટ માવાના પેકેટ પર એફએસએસઆઇએ મુજબ લેબલીંગ પ્રોવિઝન કરવામાં આવતું ન હતું કે અન્ય કોઇ વિગતો પણ દર્શાવવામાં આવતી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.