- મેડિકલ સેવા અવિરત ચાલુ રાખવા ફેકલ્ટી તબીબોને ફરજ પર મુકાયા
કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સમગ્ર ગુજરાતમાં 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે ડોક્ટર હડતાળ પર ઉતરશે. આ દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર નિયમિત કામગીરીથી દૂર રહેશે.
કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાલ પર જવાનું આયોજન કર્યું છે ત્યારે ગુજરાતમાં ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાશે.
ત્યારે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશન ઇન્ટર્ન ડોક્ટર તથા યુ.જી. મેડિકલના 450 સ્ટુડન્ટ હાજર રહી આજે સવારથી સ્ટ્રાઇક પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના મીડિયા કોઓર્ડીનેટર ડો. હેતલ કયાળાએ જણાવ્યું હતું કે, તમામ રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળથી કોઈ પણ મેડિકલ સેવાઓ અટકશે નહિ. રેસીડેન્ટ ડોક્ટરને બદલે મેડિકલ કોલેજના ફેકલ્ટી ડોક્ટરો ફરજ બજાવી લોકોની પીડા દૂર કરશે.