જિલ્લામાં જંતુનાશક દવાઓનો છંટકાવ ડ્રોનથી કરવા માટે ખેડૂતોને 1.35 લાખથી વધુની સહાય ચૂકવાઈ
આધુનિક ટેક્નોલોજી થકી રાજયના ખેડૂતોનું જીવન સરળ અને સુવિધાયુક્ત બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતોને ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ અને નેનો યૂરિયા છંટકાવ માટે ડ્રોનના ઉપયોગ બદલ આર્થિક સહાય આપવાની યોજના અમલી બનાવી છે, દવા છંટકાવ માટે જયારે શ્રમિકો ના મળતા હોય ત્યારે સરકારની આ યોજના ધરતીપુત્રો માટે ખૂબ આશીર્વાદરૂપ બની છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એલ. સોજીત્રાના જણાવ્યા મુજબ, આ યોજના અંતર્ગત એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના 90 ટકા અથવા તો વધુમાં વધુ રૂ. 500ની રકમ (બેમાંથી જે ઓછું હોય તે) ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ 5 એકર સુધી અને 5 છંટકાવની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ 2022-23માં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 45 ખેડૂતોએ ડ્રોનથી દવાનો છંટકાવ યોજનાનો લાભ મેળ્વ્યો હતો. જે અન્વયે રૂ.1,35,455/-ની આર્થિક સહાય પણ આધુનિક ખેડૂતોને આપવામાં આવી છે. જેમાં ધોરાજીમાં 15 ખેડૂતોને રૂ. 52,735/-, જેતપુરમાં 12 ખેડૂતોને રૂ. 46,300/-, ઉપલેટામાં 7 ખેડૂતોને રૂ. 13,500/-, લોધિકામાં 4 ખેડૂતોને રૂ. 9,000/-, ગોંડલમાં 3 ખેડૂતોને રૂ. 5,920/-, પડધરીમાં 3 ખેડૂતોને રૂ. 5,500/-, રાજકોટમાં 1 ખેડૂતને રૂ. 2,500/-ની આર્થિક સહાયનો સમાવેશ થાય છે.
ડ્રોનથી દવા છાંટવાના આટલા ફાયદા!
પહેલાનાં સમયમાં ખેડૂતો દ્વારા ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હતી, જેના કારણે તેમના આરોગ્ય પર ગંભીર અસરો જોવા મળતી. અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી ખેડૂતોની સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે. કૃષિ આધારિત ક્ષેત્રમાં ડ્રોન જેવી નવીનતમ ટેકનોલોજીઓ નિંદણ અને છંટકાવ માટે ખેડૂતો ઉપર રહેતું નાકામું ભારણ ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે.
યોજનાનો લાભ ખેડૂતોએ કેવી રીતે લેવો ?
આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતો આધારકાર્ડ, સાત-બારના ઉતારા તેમજ બેન્કની પાસબુક જેવા પુરાવા સાથે આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પાસે પણ જઈને અરજી કરી શકે છે.
યોજના અંતર્ગત ખેડૂતને કેટલી સહાય મળે ?
યોજના અંતર્ગત એક ખેડૂતને એક એકર દીઠ ખર્ચના 90 ટકા અથવા તો વધુમાં વધુ રૂ. 500ની રકમ (બેમાંથી જે ઓછું હોય તે) ચૂકવવામાં આવે છે. વધુમાં વધુ 5 એકર સુધી અને 5 છંટકાવની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે.